રાજકોટના વિંછીયામાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ટોળાએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો છે. ત્યારે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડયા હતા અને પથ્થરમારો કરનારા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
રાજકોટ પોલીસ SP હિંમકરસિંહ પણ વીંછીયા પહોંચ્યા
તમને જણાવી દઈએ કે વીંછીયામાં મર્ડરના આરોપીનું સરઘસ કાઢવાની લોકો દ્વારા માગ કરવામાં આવી હતી પણ આરોપીનું સરઘસની માગ નહીં સ્વીકારવામાં આવતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વીંછીયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનાને લઈને રાજકોટ પોલીસ SP હિંમકરસિંહ પણ વીંછીયા પહોંચ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરનાર 52 જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી
થોરીયાળી ગામે ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં હતી અને આ ઘટનાના આરોપીઓને સાથે રાખી પોલીસ રી-કન્સ્ટ્રક્શન કરી રહી હતી. આ ઘટનામાં પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર ઘટનાની વાત કરીએ તો વીંછીયા તાલુકાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા પર લેન્ડગ્રેબિંગની ફરિયાદને લઈને જૂની અદાવતનો ખાર રાખીને મર્ડરનું પ્લાનિંગ કરીને કરુણ હત્યા કરવામાં આવી હતી. 7 શખ્સો કુહાડી અને લાકડી, લોખંડની પાઈપ પડે બોટાદ રોડ પર વેન્ડિંગ વર્કસની દુકાને રાત્રે 8 વાગ્યાની આસપાસ 7 શખ્સોએ ગાડી અને એક બાઈક લઈને જીવલેણ હુમલો કરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. વીંછીયામાં બોટાદ રોડ પર જીવલેણ ઘનશ્યામ રાજપરા પર હુમલો કરવામાં આવ્યો અને ઘનશ્યામ રાજપરાના બે હાથ અને બે પગ ભાંગી નાખવામાં આવ્યા અને માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઘનશ્યામ રાજપરાને ખાનગી વાહનમાં વીંછીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ગંભીર ઈજાને લઈને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ચાલુ સારવાર દરમિયાન છેલ્લા શ્વાસ લીધા અને હોસ્પિટલમાં જ તેમનું મોત નીપજ્યું હતું.