રાજકોટ એપીએમસી ગુજરાત રાજ્યમાં કપાસનું સૌથી મોટું બજાર ગણાય છે. જેથી ખેડૂતો અહીં કપાસનું વાવેતર પણ સારા એવા પ્રમાણમાં કરે છે, પરંતુ ગત વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થતાં આ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર જ ઓછું કર્યું છે. જેથી ઉત્પાદનની વાત કરીએ તો કપાસમાં આ વર્ષે વીઘે 30-35 મણ ઉત્પાદન થયો હોત.
કપાસની ખેતીમાં વીઘે 12,000થી 15,000નો ખર્ચ
આ વર્ષે પહેલો ફાલ જન્માષ્ટમીમાં આવેલો ત્યારે સતત વરસાદને કારણે પાક ખરી ગયો, બીજો ફાલ સારો આવ્યો પરંતુ તે પણ નવરાત્રી દરમિયાન થયેલા માવઠામાં ખરી ગયો અને ત્રીજા ફાલમાં તો ગુલાબી ઈયળો આવી ગઈ. જેથી ગતવર્ષની જેમ જ વીઘે 18 મણ જેટલા કપાસનું ઉત્પાદન થયું છે. મોંઘવારી વધતા કપાસની ખેતીમાં વીઘે 12,000થી 15,000નો ખર્ચ થાય છે પણ કપાસના ભાવ ઘટ્યા છે. આજે જેતપુર માર્કેટ યાર્ડમાં હરાજીમાં 1400 જેટલો ભાવ મળતા ખેડૂતોએ હવે કપાસનું વાવેતર જ નથી કરવું તેવો આક્રોશ ઠાલવી રહ્યા છે.
ભારતમાં કપાસની માગ કરતા ઉત્પાદન વધુ
ગયા વર્ષે કપાસના ભાવ 1600થી 1700 મળ્યા હતા, જેથી આ વર્ષે પણ કપાસનું વાવેતર કરેલું પણ આ વર્ષે કપાસના વાવેતર જેટલો પણ ખર્ચ ન નીકળ્યો, ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતો સરકાર પાસે દરમિયાનગીરીની માગ કરી રહ્યા છે. ભારતમાં કપાસની માગ કરતા ઉત્પાદન વધુ છે, બીજું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે. બાંગ્લાદેશની રાજકીય સ્થિતિને કારણે ત્યાં પણ કપાસની નિકાસમાં મોટાપાયે ઘટાડો થયો છે.
કપાસની નિકાસ વધુ થાય તો જ ખેડૂતોને કપાસનો ભાવ મળે
જેથી ખેડૂતોને કપાસનો ભાવ મળી નથી રહ્યો તેવું જાણકારો જણાવી રહ્યા છે. હવે કપાસની નિકાસ વધુ થાય તો જ ખેડૂતોને કપાસનો ભાવ મળે. જેથી એમ કહી શકાય કે કોઈ પણ જણસીઓના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર જ નિર્ભર હોય છે. હાલ કપાસની ડિમાન્ડ ઓછી હોવાથી ખેડૂતોને ભાવ નથી મળતો તે નરી વાસ્તવિકતા છે.