દહેગામ તાલુકાના આંત્રોલી ગામની સીમમાં આવેલી મેશ્વો નદીમાંથી રખિયાલ પોલીસે ભર રાત્રે રેડ કરીને નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા 2 ઈસમોને જેસીબી મશીન તેમજ એક આઈવા ડમ્પરના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.
રખિયાલ પોલીસે રાત્રે નદીમાં રેડ કરી 2 ઈસમોને ઝડપ્યા
દહેગામના કળજોદ્રા નાગજીના મુવાડા સહિત આંત્રોલી ગામની સીમમાં ખુલ્લેઆમ રેતી ચોરી કરવામાં આવી રહી છે, જે મામલે 4 દિવસ અગાઉ જ દહેગામ મામલતદાર હેતલબા ચાવડાએ સરપ્રાઈઝ રેડ કરી હતી અને આ રેડમાં 3 ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. જેમાં બે ટ્રેક્ટરમાં રેતી ભરેલી હતી તથા એક ખાલી ટ્રેક્ટર હાથ લાગ્યું હતું. આ કાર્યવાહી બાદ પણ રેતી માફિયાઓએ રેતી ખનન કરવાનું બંધ કર્યું ન હતું. ત્યારબાદ રખિયાલ પોલીસે ગત રાત્રે નદીમાં રેડ કરીને જેસીબી મશીન, એક ડમ્પર સહિત 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.
30.21 લાખનો મુદ્દામાલ જપ્ત
જેમની પૂછપરછમાં મોહનલાલ ગલાજી ભમાત રહે. સુજાના મુવાડા, બાલુસિંહ ઝાલાના મકાનમાં તેમજ કિરણ ખેંગાર રબારી (રહે. નાના ગામ તાલુકો ધનસુરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને ઈસમોની પૂછપરછમાં સુજાના મુવાડા ગામના બાલુસિંહ ભવનસિંહ ઝાલા તેમજ નાના ગામ ધનસુરાના વિક્રમ નાગજી રબારી રેતી ખનન કરવા માટે નદીમાં વાહનો સાથે મોકલ્યા હોવાની કબુલાત કરી હતી. જે મામલે ઉપરોક્ત ચારેય સામે રખિયાલ પોલીસે ગુનો નોંધીને 30.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.