મહેસાણા શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સ્પેશિયલ ખાદ્ય ચીજો બનાવવા માટે સ્વીટ અને નમકીનનાં ફરસાણ માર્ટ પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે. ઉત્તરાયણ નિમિત્તે સ્પેશિયલ આઈટમો, લાઈવ નાસ્તા અને શિયાળુ પાક તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દરેક વસ્તુ પાર્સલમાં પીરસાઈ રહી છે અને કેટલાક વેપારીઓએ હોમ ડિલીવરી પૂરી પાડવાનાં પણ આયોજન કર્યાં છે. ઉત્તરાયણ સ્પેશિયલ નિમિત્તે માટલા ઊંધિયું, પંજાબી ઊંધિયું, સુરતી ગ્રીન ઊંધિયું, જૈન ઊંધિયું, તલના તેલનું ઊંધિયું, તુવેર ટોઠા, સાત ધાનનો ખીચડો, જલેબી, ફાફડા સહિતની માંગ વધવાની સંભાવના છે.
આ ઉપરાંત, અગાસીઓ ઉપર આકાશી યુધ્ધ દરમ્યાન પતંગ રસિયાઓ વિવિધ નાસ્તાની જયાફત પણ માણશે. આ નાસ્તામાં લીલવા કચોરી, કોથમીર કલી, ચાઈનીઝ કોન, લીલવા માર્બલ, નવતાડ સમોસા, પાત્રા-ખડવી અને ગાંઠિયા-ફાફડાની પણ માંગ વધશે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન શિયાળુ પાક પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં લીલા ચણાનું જાદરીયું, દેશી ગોળના લાડુ, ગાજર અને બીટનો હલવો, સાલમપાક, આદુ પાક તેમજ અડદીયા પાક, કચરીયા પાકના ગ્રાહકો વધ્યા છે. લીલી હળદળનું શાક, બેંગન ભડથુ તેમજ ડુંગળીયું-રગ્ગડ અને તુવેર ટોઠા-બ્રેડના સ્વાદ રસિકોમાં માંગ વધી છે.