યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મહેસાણા દ્વારા આયોજીત જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ 2024-25 વડનગર ખાતે યોજાયો હતો. પોલિટેકનિક કોલેજ અને તાનારીરી પરફોર્મીંગ આર્ટ્સ કોલેજ વડનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી, તાનારીરી કોલેજ અને સાયન્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પારૂલબેન પટેલ દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ખેરાલુ પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓનો વિકાસ થાય છે અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાશાળી બનાવી શકે છે. કલામહાકુંભ કલાકારોમાં રહેલ સુષુપ્ત અવસ્થાને ઉજાગર કરવા માટેનું એક સ્ટેજ પુરુ પાડી રહ્યું છે એમ કહી તેમણે સૌ કલાકારોને કલાક્ષેત્રે પ્રગતિ કરવા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણા જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં 23 સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં તાલુકાની 14 સ્પર્ધામાંથી પ્રથમ આવનાર તેમજ સીધી જિલ્લા કક્ષાની નવ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આશરે 2,200 જેટલા સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાંથી જિલ્લામાં પ્રથમ આવનાર સ્પર્ધક પ્રદેશકક્ષાએ ભાગ લેશે તેમજ પ્રદેશકક્ષામાં પ્રથમ અને દ્વિતિય આવનાર સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેશે. આભારવિધિ જિલ્લા યુવા વિકાસ અધિકારી પારૂલબેન પટેલે કરી હતી.