માણસા તાલુકાના પ્રાચીન તીર્થધામ મહાકાળી ધામ-મિની પાવાગઢ અંબોડ ખાતે બેરેજ બનવાથી માતાજીના આંગણે બારેય મહિના પાણી ભરેલું રહેશે. જેને લઈ આ સ્થળ આનંદ અને શ્રધ્ધાનું સંગનસ્થાન બનશે તેવું માણસા તાલુકામાં 241 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉક્ત બાબત કહી હતી.
અંબોડમાં સાબરમતી નદી પર 234 કરોડના ખર્ચે બનનાર બેરેજથી તાલુકાના આઠ ગામોને સીધો ફાયદો થશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, અંબોડ ખાતેનું મા મહાકાળીનું આ તીર્થધામ દાયકાઓથી લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહીં બેરેજના નિર્માણથી અનેક ખેડુતોના જીવનમાં પરિવર્તન આવશે. સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવશે. નદી કિનારા પર પાણીનો સંગ્રહ થતાં આ તીર્થધામ એક વિશાળ પ્રવાસન સ્થળમાં પરિવર્તિત પણ થશે. માણસા ખાતે આઠેક જેટલા બેરેજ બની રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનો અંત આવશે તેવું તેમણે કહ્યું હતું. અમિત શાહે એક જ દિવસમાં 241 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આ વિસ્તારને આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ. 1.33 કરોડના ખર્ચે લોકરોડા ગામે સાબરમતી નદી કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સરક્ષણ દિવાલના કામનું, 79 લાખના ખર્ચે બપદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ તથા 3.13 કરોડના ખર્ચે માણસામાં નવા સર્કિટ હાઉસનું નિર્માણ તથા જૂના સર્કિટ હાઉસના સમારકામ અને મજબૂતીકરણના કામનું તથા 1.04 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન આઠ વર્ગખંડોનું અને રૂ. 52 લાખના ખર્ચે દેલવડા પ્રથામિક શાળામાં નવીન ચાર વર્ગખંડોનુ અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, અંબોડ કાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે નદી પર બનનાર બેરેજને એકથી દોઢ કિમી આગળ લઈ જવામાં આવશે. અંબોડ ખાતે આકાર પામનાર આ બેરેજથી માણસાના આઠ ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
માણસાથી અંબોડ સુધી ભાડાની સાઈકલ પર જતો
માણસાથી ભાડાની સાયકલ પર અંબોડ આવતા હતા. અને માણસા પાછા જતા પહેલા ક્યારેય સાયકલમાં પંચર ના પડયું હોય તેવું ક્યારેય બન્યું નથી. આજે માણસાથી અંબોડ સુધી ચકમકતા રોડની સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મૂળ વતન માણસા છે. તેમનું બાળપણ માણસામાં વીત્યું છે. આથી તેઓ જ્યારે પણ માણસાના કોઈપણ કાર્યક્રમમાં આવે ત્યારે પોતાના બાળપણની સ્મૃતિને વાગોળ્યા વગર ન રહે. આજે પણ તેઓએ અંબોડ સુધી સાયકલ પર જતા હતા તે સંસ્મરણોને યાદ કર્યા હતા.