ટેસ્લાના સીઇઓ અને ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક એલન મસ્ક પણ ભારતની વોટિંગ સિસ્ટમના ફેન બની ગયા છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ભારતે એક જ દિવસમાં 64 કરોડ મત ગણી કાઢયા અને કેલિફોર્નિયામાં ચૂંટણીના 15 દિવસ બાદ હજુ પણ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે.
એક્સ પર એક યૂઝરે કહેલું કે ટ્રમ્પે પોતાના વિભાગોની વહેંચણી કરી દીધી છે અને કેલિફોર્નિયામાં હજુ સુધી મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ અન્ય એક યૂઝરે કહ્યું કે ભારતમાં છેતરપિંડી કરવી ચૂંટણીનું પ્રથમ લક્ષ્ય નથી, તેથી એક જ દિવસમાં 640 મિલિયન મત ગણી લેવાયા.
એલન મસ્કની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્ત્વની છે, કેમ કે, તે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા. વળી, થોડાક દિવસ પહેલાં જ તેમણે ઇવીએમ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કમ્પ્યૂટર પ્રોગ્રામ પર વધારે ભરોસો ન કરી શકાય. ચૂંટણી તો બેલેટ પેપરથી જ થવી જોઈએ. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવું આસાન હોય છે.
અમેરિકામાં પાંચ નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીને 19 દિવસ થઈ ગયા છે. રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે કેલિફોર્નિયામાં હજુ પણ બે લાખ કરતાં વધારે મતોની ગણતરી કરવાની બાકી છે. અમેરિકાની ચૂંટણીઓ બાદ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરાયા છે. રિપબ્લિકન પાર્ટીએ 312 ઇલેક્ટોરલ વોટ્સ મેળવ્યા છે, જ્યારે બહુમત માટે 270 જ ઇલેક્ટોરલ વોટ્સની જરૂર હતી.