રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની જેલમાં ED દ્વારા પૂછપરછ કરવામાં આવશે. EDના અધિકારીઓને કોર્ટ દ્વારા બે દિવસની મંજૂરી આપવામાં આવી છે. EDની ટીમ દ્વારા રાજકોટમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. EDની તપાસમાં સાગઠીયાના સાથીદારોના નામ ખુલે તેવી શક્યતાઓ છે. મનસુખ સાગઠીયા પાસે કરોડોની મિલકતમાં રોકવા માટે નાણાં ક્યાથી આવ્યા તેની તપાસ થશે. TPO તરીકે કાર્યકાળમાં બનાવેલી મિલકતો ઓફિસ, બંગલો, પેટ્રોલ પંપ, ફ્લેટ સહિતની મિલકતોની તપાસ થશે.
27 જણાનો ભોગ લેનાર રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયા સામેની તપાસમાં EDએ પણ ઝંપલાવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે મનસુખ સાગઠીયા સામે TRP અગ્નિકાંડ અંગે ગુનો નોંધાયા બાદ તેની મિલકતો અંગે ACBએ તપાસ કરી હતી. જે દરમિયાન 24.31 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવતાં ACBએ ગુનો દાખલ કરી સાગઠીયાની ધરપકડ પણ કરી હતી.
ACBએ સાગઠીયાની શોધી કાઢેલી મિલકતો પૈકી 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગમાં દરખાસ્ત કરી હતી. જેને તાજેતરમાં જ ગૃહ વિભાગે મંજૂરી પણ આપી હતી. જેના પગલે ACBએ આ અંગે કોર્ટમાં પણ અરજી કરી હતી. EDએ તપાસમાં ઝંપલાવતાં બીજા નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી.