રાજકોટ જિલ્લાના વિંછીયામાં સોમવારે એક ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 58 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હુમલામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. બે કલાક બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. અમે હળવા બળનો ઉપયોગ કર્યો, દસ ટીયર ગેસના શેલ ફેંક્યા અને લાઠીચાર્જ કર્યો અને લગભગ 58 લોકોની અટકાયત કરી. આ તમામ સામે FIR દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહએ કહ્યું કે, અમે હત્યા કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આજે સવારે અમે ઘટનાના રિકંસ્ટ્રક્શન માટે આરોપીઓને ફરીથી ક્રાઈમ સીન પર લઈ ગયા હતા. ત્યારબાદ મૃતકના સમુદાયના લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને આરોપીને શહેરમાં લઈ જવાની માંગ કરવા લાગ્યા હતા, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર માંગણી હતી. પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સંમત ન થયા અને કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો.