ભાવનગરમાં રેત ખનના માફિયા પર ખાણ ખનીજ વિભાગે લગામ લગાવતા મોટી કાર્યવાહી કરી. ખાણ ખનીજ વિભાગ દ્વારા 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ તેમજ પાસ પરમિટ વગર રેતી તેમજ કપચી સહિતનું વહન થતાં તંત્રએ તપાસ હાથ ધરી હતી. અને વલભીપુર પંથકમાં તેમજ સોનગઢ રોડ પરથી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
ભાવનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા વલભીપુર તાલુકાના ચોગઠ ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી આધારે રેડ પાડી હતી. પડતર વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનિજ ખોદકામ કરવા બદલ હિટાચી મશીન સહિત કુલ 40 લાખનો મુદ્દામાં સીઝ કરેલ છે.
વધુમાં બીજા દિવસે પણ સોનગઢ-સણોસરા રોડ પરથી રોડ ચેકિંગ દરમિયાન કપચી કરીને વહન કરી રહેલા ડમ્પર નં.GJ-04-AW-7217 અને રેતીનું વહન કરી રહેલા ડમ્પર નં.GJ-14-AT-4225 ને રોકીને તપાસ કરવામાં આવતા પાસ પરમિટ મળી ન હતી. તંત્ર દ્વારા બંને વાહનો દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન કરવા બદલ ₹35 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.
ભાવનગર ખાણ ખનીજ ટીમ દ્વારા છેલ્લા 2 દિવસમાં ગેરકાયદેસર ખનિજ પ્રવૃતિ અંગે કાર્યવાહી કરી કુલ 75 લાખનો મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો હોવાનું પુસ્તક શાસ્ત્રી બી. એમ. જાલોંધરાએ જણાવ્યું હતું.