ભાવનગરના રહીશો રોડના ચટાકેદાર નાસ્તાનો સ્વાદ નહીં માણી શકે. મનપા દ્વારા શહેરના અલગ અલગ સ્થળો સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી. મનપાની આ ઝુંબેશને લઈને રોડ પરના લારીધારકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. લારીધારકો મોટી સંખ્યામાં પોતાની ફરિયાદને લઈને કલેકટરને રજૂઆત કરવા પંહોચ્યા. જાણો કેમ મનપા દ્વારા શહેરમાં સ્પેશિયલ ઝુંબેશ શરૂ કરવામાં આવી.
માર્ગ પરથી દૂર થશે લારીઓ
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગુજરાતીઓ સ્વાદના રસિયા છે. ગુજરાતમાં સુરતનું ખમણ, વડોદરાના ચેવડો અને ભાવનગરના ગાંઠીયા જેવા વિવિધ પ્રકારના ફરસાણ લોકપ્રિય છે. ખાસ કરીને સ્વાદના રહીશો હોટલમાં ખાવાના બદલે રોડ પર ઉભી રહેતી લારીઓમાંથી ખાવાનું વધુ પસંદ કરે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં રોડ પર ઉભી રહેતી મેગીની લારી, વડાપાઉં, છોલે કુલચે અને મહિલાઓની ખાસ મનપસંદ પાણીપુરીની લારી પર લાંબી ભીડ જોવા મળે છે. રોડની બાજુમાં ઉભી રહેતી વિવિધ વાનગીઓની લારીઓ પર ભીડ થવાના કારણે માર્ગ પરના ટ્રાફિકને લઈને વાહનચાલકો મોટી મુશ્કેલીનો સામનો કરતા હોય છે. લારીઓ પર ઉમટતી ભીડ ટ્રાફિકને અડચણ રૂપ બનતાં કેટલીક વખત અકસ્માત જેવી ગંભીર ઘટનામાં પરિણમે છે.
ટ્રાફિક સમસ્યા દૂર કરવા મનપાની ઝુંબેશ
શહેરમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધવા પાછળનું કારણ મોટાભાગે વધુ પડતો ટ્રાફિક અને માર્ગની બાજુ પર આડેધડ ઉભા રહેતા લારી ગલ્લાઓને માનવામાં આવે છે. અન આથી જ મનપા દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માર્ગની બાજુમાં ઉભી રહેતી નાસ્તાની અને ખાણી પીણીની લારીઓ હટાવવા ફરમાન કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા અચાનક ફરમાન કરાતા લારીધારકોની મુશ્કેલીઓમાં વધારો થયો. તાત્કાલિક વૈકલ્પિક સ્થળ શોધવાને લઈને કલેકટરને રજૂઆત કરવામાં આવી.
લારીધારકોની કલેકટરને રજૂઆત
શહેરના લારીધારકો પોતાની સમસ્યાને લઈને આજે કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. લારીધારકો જે સ્થળ ઉપર વ્યવસાય કરે છે તે સ્થળ ઉપર લારીઓ રાખી વ્યવસાય કરવા દેવામાં આવે તેવી રજુઆત કરી છે.લારીધારકોનો આક્ષેપ છે કે તેમની લારીઓ ટ્રાફિકને અડચણરૂપ ના હોવા છતાં મનપા દ્વારા લારીઓ હટાવવા ફરમાન કરવામાં આવ્યું છે. અને આથી જ મનપાની અણધડ કામગીરી સામે તેઓ વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી કે નાસ્તાની અને ખાણી પીણીની લારીઓ બંધ કરવામાં આવશે તો તેઓ બેરોજગાર થઈ જશે.