મહેસાણા મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી તંત્ર દ્વારા જિલ્લા ફુડ સેફ્ટી તંત્રનો સહયોગ મેળવી મહાનગર વિસ્તારમાં ખાણીપીણીના 18 એકમો પર ફુડ સેફ્ટી અંગેની તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 19 લીટર અખાદ્ય તેલી પદાર્થોનો જથ્થો મળી આવતા નાશ કરાયો હતો.
મહેસાણા મહાનગર પાલિકા વિસ્તારમાં ખાણી પીણીના એકમો પર છેલ્લા ઘણા સમયથી કોઈ જ પ્રકારની તપાસ કે કાર્યવાહી સામે આવી ન હતી. ત્યાં મહેસાણા મહાનગરમાં આવેલ કેટલાક અખાદ્ય કે શંકાસ્પદ ખોરાકી એકમો બેફમ બની ધમધમી રહ્યા હતા. શહેરમાં ખોરાકી બીમારીનો ભોગ બનતા શહેરી જનોને ફુડ સેફ્ટી પુરી પાડવા માટે ચેકીંગની કામગીરી થવી જરૂરી બની હતી. જેને લઈ મહેસાણા મહાનગર પાલિકામાં ફુડ સેફ્ટીની કામગીરી માટે એચ.એચ. પ્રજાપતિ નામના મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. જેમના દ્વારા જિલ્લા ફુડ સેફ્ટી તંત્રનો સહયોગ મેળવી મહાનગર વિસ્તારમાં આવેલ વિવિધ ખાણી પીણીના એકમો પર થી શંકાસ્પદ કે અખાદ્ય જણાતા ફુડના નમૂના લઈ ફુડ સેફ્ટી ઓન વ્હીલમાં પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 18 જગ્યાએથી વિવિધ પ્રકારના ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા. ટી.પી.સી. મશીનથી ચેક કરતા 19 લીટર જેટલા અખાદ્ય તેલના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ફુડ સેફ્ટી અંગે વિવિધ એકમોને હાઇજેનિક કન્ડિશન જાળવવા અને તાજો ખોરાક ગ્રાહકોને આપવા મારહદર્શન કરાયું હતું. આ ચેકીંગ દરમિયાન નાસ્તા હાઉસો, નાસ્તાની ફેકટરીઓ, મિલ્ક પ્રોડક્ટના ઉત્પાદકો, પાણીના મિનરલ પ્લાન્ટ પર પણ તપાસ કરવામાં આવી હતી.