મહેસાણા નજીક આવેલા આંબલિયાસણ ગામમાં પ્રવેશ કરવાના માર્ર્ગ પર આવેલા રેલવે ઓવરબ્રીજ પર પતંગ દોરીથી એક યુવાને જીવ ગુમાવ્યો છે. જયારે અન્ય કિસ્સામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ઘટનાને લઈને અખબારી અહેવાલો પ્રસારીત થતાં પોલીસ પ્રશાસન તરફથી ઓવરબ્રીજ પર દોરીથી સાવધાન રહેવા માટે ચેતવણીના બોર્ડ લગાડવામાં આવ્યા છે. પરંતુ, અહીંની ગ્રામ પંચાયત અને રેલતંત્ર સાવચેતીના પગલાં લેવાનું ચૂકી ગયું છે. ઓવરબ્રીજ નીચે રહેણાંક વિસ્તાર આવેલો હોઈ ત્યાંથી ઉડતા પતંગની દોરી બ્રીજની પાળી ઉપર ભરાઈ રહે છે. જે દોરીથી અહીંથી દ્વિચક્રી વાહન લઈને પસાર થતાં લોકો છાસવારે ઈજાનો ભોગ બનતા રહયા છે. પ્રશાસન દ્વારા જો બ્રીજ ઉપર થાંભલા અથવા લાઈટના પોલ ઉભા કરી તેના ઉપર તાર બાંધવામાં આવે તો લોકો માટે ઘાતક ગણાતી દોરીની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.
આંબલિયાસણ ગામમાં પ્રવેશવાના માર્ગે રેલવે ફાટક પર થોડા મહિનાઓ પહેલા ઓવરબ્રીજનું નિર્માણ કરી વાહનોને અવર-જવર કરવા માટેનો માર્ગ આસાન કરવામાં આવ્યો છે. બ્રીજ નીચે રહેણાંક વિસ્તાર ધરાવતા રહીશો દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને પ્રતિબંધિત ચાઈનીઝ અથવ તો અન્ય કોઈ ધારદાર દોરી વડે પતંગ ઉડાડવામાં આવે છે. જે પતંગ દ્વારા અથવા તો ઓવરબ્રીજની દિવાલ પર વીંટળાઈ ગયેલી દોરી એમને એમ પડી રહેતા આ માર્ગેથી દ્વિચક્રી વાહન લઈને પસાર થતા લોકોના ગાળામાં દોરી વાગવાથી તેમના માથે જીવનું જોખમ ઉભું થયું છે. નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ ઘાતક દોરી વાગવાથી એક યુવાનને જીવ ગુમાવવો પડયો હતો. જયારે માત્ર ચાર જ દિવસના ટૂંકા ગાળામાં અન્ય એક યુવાન અને એક મહિલાને ગળાના ભાગે દોરી વાગવાથી રોડ પર પટકાઈ જવાથી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
પંચાયત, રેલવે અને માર્ગ-મકાન વિભાગને લેખિત રજૂઆત કરી છે : પીઆઈ
લાંઘણજ પોલીસ મથકના પીઆઈ તેજસ દેસાઈએ જણાવ્યું હતું કે, રેલવે ઓવરબ્રીજની બન્ને તરફથી પાળીની દિવાલ નીચી હોવાથી પતંગની દોરી દ્વિચક્રી વાહનચાલકોની છાતી તેમજ ગળાના ભાગ સુધી આવી જવાથી ઘટનાઓ બને છે. આ અંગે ગ્રામ પંચાયત, માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે તંત્રને લેખિત રજૂઆત કરી સ્ટ્રીટ લાઈનના થાંભલા મુકવા જણાવ્યું છે. જો એ થાંભલા હોય તો તેના સહારે ઊંચાઈ સેફટી તાર બાંધી શકાય.