વધુ એક ભૂકંપના આંચકાએ કચ્છની સરહદને ધ્રૂજાવી હતી, શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે કચ્છની સામે પાર પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.7 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીમાં નોંધાયેલા ભૂકંપના આંચકા અંગે મળતી માહિતી મુજબ કચ્છને અડીને આવેલા પાકિસ્તાનનાં પંજાબ ચોકના સાહબદીન મીઠી વિસ્તારમાં આજે સોમવારની સવારનાં 10.40 વાગ્યાનાં અરસામાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
જે આંચકાની અસર કચ્છનાં સરહદી લખપત તાલુકાનાં અનેક ગામો સુધી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, લખપતથી 76 કિ.મી. દૂર નોંધાયેલા આંચકાથી સ્થાનિકે કોઈ નુકસાની થઈ ન હતી. સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવવા સામાન્ય ઘટના બની ગઈ છે. છેલ્લા બે દાયકામાં કચ્છની ધરા સંખ્યાબંધ ભૂકંપના આંચકાથી ધ્રૂજી રહી છે. સદ્ભાગ્યે હળવા આંચકાને લીધે જાનમાલને નૂકસાનકારક નથી.