ભાવનગરના સિહોરમાં ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના રાજપરાના પ્રસિદ્ધ ખોડિયાર મંદિરમાં માં ખોડિયારના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રાજપરા ખોડિયાર ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે.
ભાવનગરના યુવરાજની હાજરીમાં કેક કટીંગનો કાર્યક્રમ યોજાયો
મંદિર પર ધ્વજા આરોહણ, હવન, મહાપ્રસાદ અને રાત્રિના સમયે ડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહજી અને કુંવરી બા બ્રિજેશ્વરીદેવીની હાજરીમાં કેક કટીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પણ હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા અને માં ખોડિયારના આર્શીવાદ લીધા હતા.
રાજકોટના જેતપુરના ખોડલધામ ખાતે ખોડલ જયંતિની ઉજવણી કરાઈ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજ રોજ મહા સુદ આઠમના દિવસે સમસ્ત લેઉઆ પટેલ સમાજના કુળદેવીમાં ખોડલનો પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસરેમાં ખોડલને વિશિષ્ટ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને સવારથી જ ભક્તો માટે અન્નકુટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
જાણો કાગવડ ગામ વિશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.