ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ભાવનગરના પરા વિસ્તારમાં આવેલા ગઢેચી રેલવે બ્રિજ માટે રેલવે તંત્રએ જનરલ એરેન્જમેન્ટ ડિઝાઈન (જીએડી) મંજૂર કર્યુ હોવાનું ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવીશ કુમારએ જણાવ્યુ હતું. રેલવે બજેટ મામલે આયોજિત પ્રેસમીટમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમએ સોમવારના એક વાતચિતમાં વધુમાં જણાવ્યું હતુ કે, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે ભાવનગર રેલવે દ્વારા ગઢેચી રેલવે બ્રીજ માટે જીએડીને મંજૂરી આપી દીધી છે. જેને પગલે ગઢેચી રેલવે બ્રિજ બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે.
બ્રિજ નિર્માણ માટેની આગળની કાર્યવાહી આગળ ધપી શકશે
રેલવે દ્વારા બ્રિજ નંબર 219 માટે જીએડીને મંજૂરી આપી દેવામાં આવતા સ્થાનિક પ્રશાસને બ્રિજ બનાવવા માટેની આનુષાંગિક કાર્યવાહી કરવાની રહેશે. અર્થાત મનપા અને રાજ્ય સરકારની જરૂરી મંજૂરી મળ્યા બાદ બ્રિજ નિર્માણ માટેની આગળની કાર્યવાહી આગળ ધપી શકશે. ભાવનગર રેલવે ડિવિઝન ખાતે આયોજિત પ્રેસમીટમાં સિનીયર ડીસીએમ માશૂક અહમદ, પબ્લીક રીલેશન ઈન્સ્પેક્ટર્સ શમ્ભુસિહ સહિતના હાજર રહ્યા હતા.
66 કરોડના ખર્ચે ભાવનગર રેલવે સ્ટેશનનું વિસ્તૃતીકરણ થશે
ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવીશ કુમારએ જણાવ્યુ હતુ કે, 66 કરોડના ખર્ચે ભાવનગર રેલવે સ્ટેશનનું વિસ્તૃતીકરણ થશે, ભાવનગર રેલવે સ્ટેશનમાં શટીંગની સમસ્યા હલ કરવા માટે વધુ એક પીટ લાઈન જરૂરીયાત હોવાથી પીટ લાઈન બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામા આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં પાયાની કેટલીક જરૂરીયાતને ધ્યાનમાં રાખીને તે જરૂરીયાતને સંતોષવા માટે કામગીરી કરાશે. રેલવેની લાઈન પણ વધારવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ટેક્નિકલ કારણોસર વંદે ભારત ટ્રેન ચલાવવી મુશ્કેલ પણ અશક્ય નહીં
ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ જણાવ્યુ હતુ કે, ટૅક્નિકલ કારણોસર ભાવનગરથી વંદે ભારત ટ્રેન ચલાવવાનું મુશ્કેલ છે. જોકે અશક્ય નથી. તેમણે જણાવ્યું હતુ કે, વંદે ભારત ટ્રેન ચલાવવા માટે ચાર સ્તરીય મેઈન્ટેન્સની જરૂરીયાત રહે છે, જેના માટેની માળખાગત સુવિધા ભાવનગર રેલવે સ્ટેશન પાસે નથી. જોકે મેઈન્ટેન્સની સમગ્ર પ્રક્રિયા ભાવનગર ન કરવામાં આવે અને તે અમદાવાદ કરવામાં આવે તો વંદે ભારત ટ્રેનની કનેક્ટીવિટી મળી શકે.