ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર હોટલ નંદની પાસે તણસા ગામના પુલ નજીક આજે સવારે ગોજારી દુર્ઘટના સર્જાવા પામી છે. બોલેરો અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાત બાઈક સવાર યુવકનું ધડ અલગ થઈ અલગ દિશામાં 25 ફુટ દુર જઈ ફંગોળાયુ છે. અકસ્માતની ઘટનાના પગલે ભારે અરેરાટી સાથે જોનારાને કંપારી છુટી જવા પામી હતી.
અકસ્માત સર્જાતા ગાડીએ પલ્ટી મારી, લોહીના ફુવારા ઉડતા ગાડીનું બોનેટ લાલ લોહીથી રંગાયું
જ્યારે અકસ્માતના પગલે બોલેરો ગુંલાટ ખાઈ ગઈ અને તેનું બોનેટ રીતસર લોહીથી ભીંજાતા તેને લાલ રંગ થઈ જવા પામ્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ઠળીયા ગામે રામકુભાઈ મોભની વાડીએ રહેતા મુળ ઘોઘા તાલુકાના કંટાળા ગામના વતની અને શરણાઈ વગાડવાનું કામ કરતા નાથાભાઈ પરમાર આજે વહેલી સવારના 6 કલાકના અરસા દરમિયાન પોતાનું બાઈક નંબર જીજે-01-એમએન-4726 લઈં ઠળીયા ગામેથી ઘોઘા તાલુકાના બાડી ગામે શરણાઈ વગાડવા માટે જવા નિકળ્યા હતા. તે વેળાએ આઠ વાગ્યાના અરસા દરમિયાન તેઓ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આવેલા તણસા ગામના પુલ પાસે હોટલ નંદની નજીક, પાશ્વનાથ ભક્તિધામ જૈન તિર્થ સામે પહોંચતા પુલ ઉપર સામેથી આવી રહેલા બોલેરો કાર નંબર જીજે-04-એડબલ્યુ- 6009ના ચાલકે પોતાની બોલેરો પુરપાટ ઝડપે, માણસની જીંદગી જોખમાઈ તેવી રીતે અને બેદરકારી પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ ધડાકાભેર અકસ્માત સર્જતા અકસ્માતમાં બાઈક સવાર નાથાભાઈનું માથુ રીતસર ધડથી અલગ થઈ ઘટના સ્થળથી 25 ફૂટ દુર જઈ ફેંકાયુ હતું અને ઘટના સ્થળ પર જ તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતને લઈ બોલેરો ગાડી પલ્ટી મારી જવા પામી હતી અને તેનો ચાલક ઘટના સ્થળ પરથી નાસી છુટયો હતો.
નજરે અકસ્માત જોનારા લોકોની કંપારી છુટી ગઈ
ઉક્ત કરૂણાતિંકાને લઈ નજરે અકસ્માત જોનારા લોકોની કંપારી છુટી જવા પામી હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાઈક બોલરો સાથે અથડાતા લોહીના રીતસર ફુવારા ઉછળ્યા હતા અને બોલેરોના બોનેટનો રંગ લાલ થઈ જવા પામ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે મૃતક નાથાભાઈ પરમારના દિકરા કાનાભાઈ નાથાભાઈ પરમારે પોલીસ મથકમાં બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કાર ચાલક સામે બીએનએસ એક્ટ 281, 109 (1) મોટર વાહન અધિનિયમ 177, 184, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.