ધોરડોના સફેદ રણમાં યોજાતો રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યો છે. 2024-25ના રણોત્સવનું સમાપન થવા જઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે સમગ્ર દેશ-વિદેશમાંથી કુલ 3,94,549 પ્રવાસીઓએ રણોત્સવની મોજ માણી હતી, જેમાં 774 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. પ્રવાસીઓ દ્વારા વેબસાઈટ તથા ડાયરેક્ટ સ્થળ પર પરમિટ કઢાવવાને કારણે વહીવટી તંત્રને રૂપિયા 4.85 કરોડની આવક થઈ છે.
પ્રવાસીઓએ અનેરા આનંદ સાથે સફેદ રણની મજા માણી
આ બાબતે ભુજ પ્રાંત કચેરીના સૂત્રો તરફથી મળતી વધુ માહિતી મુજબ દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. રણોત્સવનાં પ્રારંભ સાથે જ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છની ધરા ઉપર ઉતરી પડયા હતા. ક્યારેય ન નિહાળ્યું હોય તેવું ડેસ્ટિનેશન નિહાળી પ્રવાસીઓ અનેરા આનંદ સાથે સફેદ રણની મજા માણી રહ્યા છે. જોકે, હવે રણેત્સવ સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ચાલુ વર્ષે દિવાળી બાદ રણોત્સવ શરૂ થયો હતો. તેને કારણે સ્વાભાવિક પણે જ દિવાળી વેકેશન માણવા માટે આવેલા પ્રવાસીઓ રણોત્સવની નજાકતને માણી શક્યા ન હતા.
યોગ્ય વ્યવસ્થાના કારણે મુસાફરોને પડી મોજ
પરંતુ રણોત્સવના પ્રારંભ સાથે જ પ્રવાસીઓ ઉમટી પડયા હતા. તેમાંય નાતાલના વેકેશન અને બાદમાં શાળાકીય પ્રવાસ અંતર્ગત પણ બહોળી સંખ્યામાં છાત્રોએ સફેદ રણ માણવાની સાથે સાથે સ્થળ પર ઊભા કરાયેલા ફૂડ સહિતના વિવિધ સ્ટોલની મુલકાત લેવાનું ચૂક્યા ન હતા, જેને કારણે સ્થાનિકે કારીગરોને સારા એવા પ્રમાણમાં રોજગારી પણ મળી રહેવા પામી હતી. કારણ કે, અત્યાર સુધીમાં 3,94,549 પ્રવાસીઓએ રણોત્સવનો નજારો માણ્યો છે, જેમાં 774 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. પરિણામે વહીવટી તંત્રને રૂપિયા 4,85,12,910ની આવક થવા પામી છે.
આ વખતે 17,274 પ્રવાસીઓએ ઓનલાઈન પરમિટ કઢાવી
ધોરડોનાં સફેદ રણમાં યોજાયેલા રણોત્સવને માણવા માટે કુલ 17,274 જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન પરમિટ કઢાવી હતી, જ્યારે 40,641 પ્રવાસીઓએ સ્થળ પર પરમિટ મેળવીને રણોત્સવને મન ભરીને માણ્યો હતો. ખાસ કરીને ઠંડીનાં દિવસોમાં સૌથી વધુ પ્રવાસીઓએ કચ્છમાં ધામા નાખ્યા હતા. જેને કારણે સ્થાનિક તેમજ રસ્તા ઉપર આવતી વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ સહિતને પણ સારા એવા પ્રમાણમાં ફાયદો થયો હતો.
ગત વર્ષની સરખામણીએ તંત્રની આવક રૂપિયા 1.31 કરોડ વધી
આ વખતે રણોત્સવ થોડો મોડો શરૂ થયો હતો, જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ ગત વર્ષની તુલનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 4,07,658 પ્રવાસીઓએ રણોત્સવનો માણ્યો હતો, જેની સામે ચાલુ વર્ષે 3,94,549 પ્રવાસીઓ સફેદ રણમાં પહોંચ્યા હતા, જે 13,109 પ્રવાસીઓનો ઘટાડો સૂચવે છે. જ્યારે વિદેશ પ્રવાસીઓની સંખ્યા પણ 38 જેટલી ઘટી છે. જે ગત વર્ષે 812 હતી, આ વખતે 774 પ્રવાસીઓ નોંધાયા છે. છતાં પણ ગત વર્ષે રૂપિયા 3.54 કરોડની આવક સામે વહીવટી તંત્રને ચાલુ વર્ષે રૂપિયા 4.85 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ રૂપિયા 1.31 કરોડ વધુ છે.