મહેસાણા જિલ્લામાં ઓવરલોડ તેમજ પરમીટ વિના સાદી રેતી તેમજ સાદી માટી સહિત ખનીજની ખનન, સંગ્રહ અને વહનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમા મહેસાણાના ગોજારીયા ગામની સીમમાંથી પરમિટ વિના સાદી માટીનું વહન કરેલા ત્રણ ડમ્પર સીઝ કરાયા હતા, તો માટી ભરી આપનાર બે એસ્કેવેટર મશિન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પર અને બે એસ્કેવેટર મશિન નજીકના સલામત સ્થળે રાખી વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડો.પ્રતીક શાહના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર કરણ સોની,સર્વેયર સાવન ભાંભી સહિત ટીમે મહેસાણાના ગોજારીયા ગામની સીમમા તપાસ દરમિયાન પરમિટ વિનાના સાદી માટી ભરેલા 3 ડમ્પર સીઝ કર્યા હતા, તો તે ડમ્પરના ચાલકોની પૂછપરછ કરતા ટીમને જાણવા મળેલ કે ગોજારીયા સીમમાં આવેલ તળાવમાંથી બે એસ્કેવેટર મશિન મારફ્ત ડમ્પરમાં માટી ભરીને વાગડ કંપની દ્વારા નિર્માણ થઈ રહેલ બ્રિજ માટે તે માટી લઈ જતાં હતા. ટીમે ગોજારીયા સીમમાં તળાવમાં રેડ કરીને બે એસ્કેવેટર મશિન સીઝ કર્યા હતા. ખાણ ખનીજની ટીમે ત્રણ ડમ્પર અને બે એસ્કેવેટર મશિન મળી કુલ રૂ.1.80 કરોડનો મુદ્દામાલ નજીકના પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો.તો મહેસાણા ખાણ-ખનીજ વિભાગ દ્વારા વાહનના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પગલે ગેરકાયદેસર રીતે ખનીજનુ ખનન,વહન અને સંગ્રહ કરતા તત્વોમા ભારે ભય પ્રસરી જવા પામ્યો હતો.