અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એકજૂથ થઈને એક નવું અલ્પસંખ્યક સંગઠન બનાવ્યું છે. મેરિલેન્ડના સ્લિગ સેવન્થ ડે એડ્વેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ દરમિયાન શુક્રવારે એસોસિયેશન ઓફ ઇન્ડિયન-અમેરિકન માઇનોરિટીઝ (AIAM)નું ઉદ્ઘાટન થયું હતું. આ સંગઠનનો હેતુ ભારતીય-અમેરિકન પ્રવાસીઓમાં અલ્પસંખ્યકોને સાથે લેવા અને તેમની સ્થિતિ પર કામ કરવાનો છે.
સંગઠનના આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડૉક્ટર માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડ ફોર માઇનોરિટી અપલિફ્ટમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર વોશિંગ્ટન એડ્વેન્ટિસ્ટ યુનિવર્સિટી અને AIAM દ્વારા પીએમ મોદીને તેમના સમાવેશી વિકાસ અને અલ્પસંખ્યક કલ્યાણ માટે કરવામાં આવેલા પ્રયાસો માટે આપવામાં આવ્યો છે. AIAM રચનાનું એક મોટું લક્ષ્ય અમેરિકામાં ભારતીય-અમેરિકનોની એકતા સુનિશ્ચિત કરવાનું પણ છે. AIAMએ શીખ દાતા જસદીપસિંહને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, તેના સાત સભ્ય ધરાવતા બોર્ડમાં બલજિંદરસિંહ, સુખપાલ ધનોઆ (શીખ), પવન બેઝવાદા, એલિશા પુલિવર્તી (ખ્રિસ્તી), દીપક ઠક્કર (હિંદુ), જુનૈદ કાજી (મુસ્લિમ) અને નિસિમ રુબેન (યહૂદી)નો સમાવેશ થાય છે.