હાઇકોર્ટમાંથી મેળવેલા જામીન ગુજસીટોક કોર્ટે રદ કર્યા હતા
બે વર્ષ બાદ જેલમાંથી છૂટીને ફરીથી ગુના આચરવાનો પ્રયાસ કરી રહ્યાના દ્વારકા પોલીસે આધાર- પૂરાવા રજૂ કરતા ગુજસીટોક કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢ્યું
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા પંથકમાં વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોમાં ડર ફેલાવી વિવિધ પ્રકારે ત્રાસ ગુજારીને પરેશાન કરતી બિચ્છુ ગેંગના અનેક સભ્યોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી અને ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં જિલ્લા પોલીસે બિચ્છુ ગેંગના ત્રણ આરોપીઓ સામે કાયદાનું શા ઉગામી અને ત્રણેયને જેલ હવાલે કરી, કાયદાનું ભાન કરાવ્યું હતું.
ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં મીઠાપુર પંથકમાં કેટલાક શખ્સોની બિચ્છુ ગેંગ દ્વારા આ વિસ્તારના રહીશોને વિવિધ પ્રકારે હાલાકી પહોંચાડી પરેશાન કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ મુદ્દે કડક વલણ અખત્યાર કરી, અને દ્વારકા, ઓખા અને મીઠાપુરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બિચ્છુ ગેંગના શખ્સો સામે વર્ષ ૨૦૨૨ માં ગુજસીટોકની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આ ટોળકીના સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.