રાજ્યમાં ચાલતી બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે, અન્ય રાજ્યમાં પરીક્ષા આપવી અને અહીં એડમિશન કરાવવું આવી કોઈ સરકારની ગાઇડલાઈન નથી. આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા આપતી નથી. આવી સંસ્થાઓને રાજ્ય સરકાર શોધી કડક કાર્યવાહી કરશે. સુરતમાંથી શોપિંગ કોમ્પલેક્ષની અંદર ચાલતી જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ અંગે શિક્ષણ મંત્રીને માહિતી મળી હતી.
માં કામલ ફાઉન્ડેશન સંસ્થાને પણ સરકારે માન્યતા આપી નથી
વધુમાં પાનસેરિયાએ કહ્યું કે, આવી સંસ્થાઓ સોશિયલ મીડિયા અને અન્ય ચોપાનિયામાં જાહેરાતો આપી એડમિશન મેળવે છે. આવી કોલેજમાં એડમિશન કરાવતા પહેલા તેની તમામ રીતે ખાતરી કરી લેવી જરૂરી છે. જે કોલેજમાં એડમિશન કરાય છે તે યોગ્ય છે કે નહીં તેમજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. તમામ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબના નિયમો મુજબ છે કે નહીં જેવી ખરાઈ કર્યા બાદ જ એડમિશન મેળવવું જોઈએ.
સુરતમાં માઁ કામલ ઇન્સ્ટિટયૂટ અને જીવનદીપ ઇન્સ્ટિટયૂટ વિદ્યાર્થીઓને નર્સિંગના સર્ટિફિકેટ આપી રહ્યું હોવાનું બહાર આવતા ચોકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જીવનદીપ ઇન્સ્ટિટયૂટ દ્વારા પણ વિદ્યાર્થીઓને સરકાર માન્ય ન હોય તે પ્રકારના સર્ટિફિકેટ કોર્સના નામે ખોટા સર્ટિફિકેટ આપવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
તબીબી અભિયાસમાં ગેરરીતિ થતી હોવાની બૂમરાણ
રાજ્યમાં આજે શિક્ષણ રૂપિયા કમાવવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવાના નામે વાલીઓ પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવે છે અને સર્ટિફિકેટ કોર્સના નામે પણ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ નર્સિંગ કોલેજને લઈને જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે, તેને લઈને ફરી એક વખત તબીબી ક્ષેત્રમાં અપાતા નર્સિંગ સર્ટિફિકેટ કોર્સમાં ખૂબ મોટી ગેરરીતિ થતી હોવાની બૂમરાણ મચી છે. સુરતમાંથી શોપિંગ કોમ્પલેક્ષની અંદર ચાલતી જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ અને માઁ કામલ ફાઉન્ડેશન સંસ્થાને પણ સરકારે માન્યતા આપી નથી. આવી સંસ્થાઓ સોશિયલ મીડિયા અને અન્ય ચોપાનિયામાં જાહેરાતો આપી એડમિશન મેળવે છે.