ખ્યાતિકાંડના પાપીઓની વધુ એક કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. બોરીસણા ગામે કેમ્પમાં ચેકઅપ કરાવ્યા બાદ વૃદ્ધને બસ બેસાડીને તેમની અમદાવાદ સ્થિતિ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ વૃદ્ધની તબિયત લથડી છે.
પગમાં ખાલી, પેટની તકલીફ હતી, કરી નાખી એન્જીયોગ્રાફી
ખ્યાતિ હોસ્પિટલના માફિયાઓએ રૂપિયા કમાવવાની લ્હાયમાં દર્દીઓને જરૂર ના હોય તો ખોટી સર્જરી કરીને પૈસા પડાવવાનું કૌભાંડ આચર્યુ છે. બોરીસણા ગામના વતની 72 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ પટેલને પણ પગમાં ખાલી ચડી જવાની અને પેટની તકલીફ હતી તો પણ ખ્યાતિકાંડના માફિયાઓએ કોઈને પણ પૂછ્યા વગર જ વૃદ્ધની એન્જિયોગ્રાફી કરી નાખી હતી અને PMJAY હેઠળ પૈસા ખંખેરી લીધા હતા.
દર્દીઓ પાસેથી પૈસા ખંખરેવા ખોટી સર્જરી કરી નાખતા ખ્યાતિ હોસ્પિટલના ડોકટરો
ત્યારે ઘરના મોભીની તબિયત લથડતા હાલમાં પરિવાર ચિંતાતુર બન્યો છે અને હાલમાં વૃદ્ધ કાંતિભાઈ પટેલની તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ વેન્ટિલેટર પર છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો તથા ડોક્ટરોએ પૈસા કમાવવાની લાલચમાં અનેક પરિવારના લોકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે.
ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં મોટા ખુલાસા
ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ પૂછપરછમાં મોટો ખુલાસા કર્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી પોતાના 24 લાખ રૂપિયા બાકી હતા તે લેવા માટે હોસ્પિટલ સાથે જોડાયો હતો અને તેને કહ્યું કે હોસ્પિટલમાં ઓપરેશન પછી યોગ્ય સારવાર દર્દીને નથી મળતી. ચાલુ વર્ષે પ્રશાંતે 20 ઓપરેશન કર્યા હોવાની કબુલાત કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે PMJAY યોજનામાંથી પણ માહિતી મંગાવી છે અને હોસ્પિટલની તપાસ માટે 23 ડોક્ટરોને નોટીસ પણ આપી છે. કૌભાંડમાં કોની સંડોવણી તે અંગે તપાસ ચાલુ છે.
ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલના અનેક કાંડ
કાર્તિક પટેલના અનેક કાંડમાં વધુ એક કાંડ આવ્યો સામે આવ્યો છે, વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિર સાથે કાર્તિક પટેલના તાર જોડાયેલા છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલનો સમાવેશ થાય છે, હોસ્પિટલના કૌભાંડ સાથે ધર્મના નામે ધાર્મિક સ્થળોને પણ કૌભાંડની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જગન્નાથ મંદિરના કથિત જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલનું કૌભાંડ હોઈ શકે છે, જેથી કોંગ્રેસ પક્ષે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પરથી હટાવવા માગ કરી છે. નોંધનીય છે કે મંદિરમાં જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ મંદિરમાં હાજર નહીં હોવાનું સામે આવ્યુ છે.