મુંબઈ : ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી સપ્તાહમાં સોમવારે ખુલતાં બજારે જોવાશે. ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય. હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે.