રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મગફળીના ભાવ સારા મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા હાલ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે અને હાલ ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જણસી ટેકાના ભાવે વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે અને હાલ જે ખુલ્લા બજારમાં ભાવ મળે છે, તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી છે, તેમાં ભાવ બજાર કરતા સારા મળી રહ્યા છે.
બજાર ભાવ કરતા સારો ભાવ ખેડૂતોને મળતા જગતનો તાત ખુશખુશાલ
હરાજીમાં 1000 રૂપિયા જેવો ભાવ મગફળીનો ખેડૂતોને મળી રહ્યો છે અને સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે તેમાં રૂપિયા 1356 એક મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે એટલે કે બજાર ભાવ કરતા ટેકાના ભાવ સારા મળી રહ્યા છે, તેથી ધોરાજી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
અત્યાર સુધીમાં 1,26,000 જેવી બોરીની આવક થઈ
હાલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે અત્યાર સુધી 5700 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને 1,26,000 જેવી બોરીની આવક થઈ છે અને અત્યાર સુધીમાં 1360 ખેડૂતોએ લાભ લીધો છે અને ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ખરીદી મગફળીની થઈ રહી છે, તેમાં રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે. સરકાર જે ટેકાના ભાવે ખરીદી માટે ભાવ ખેડૂતોને મગફળીના આપે છે, તેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.