પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધનો અંત લાવ્યો છે. પરંતુ આ દરમિયાન ભારે હોબાળો થયો હતો. અનેક જગ્યાએ આગચંપી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ સ્થિતિ જોઈને સેનાએ ચાર્જ સંભાળી લીધો. આ દરમિયાન પીટીઆઈએ આરોપ લગાવ્યો છે કે સરકારની કાર્યવાહી દરમિયાન ઈસ્લામાબાદમાં સેંકડો સમર્થકોને ગોળી મારી દેવામાં આવી છે.
હજારો લોકોની કરવામાં આવી ધરપકડ
ઈમરાન ખાનના સહયોગીઓનું કહેવું છે કે ઈસ્લામાબાદમાં રાતોરાત સેનાની કાર્યવાહીમાં પીટીઆઈ સમર્થકો પર ગોળી વાગી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના પોલીસ વડાએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારોએ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના લગભગ 1,000 સમર્થકોની ધરપકડ કરી છે, જેમણે તેમની મુક્તિની માંગણી સાથે આ અઠવાડિયે રાજધાનીમાં હુમલો કર્યો હતો. ઈસ્લામાબાદના પોલીસ વડા અલી રિઝવીએ આ વાતને નકારી કાઢી હતી કે ઓપરેશન દરમિયાન જીવંત દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિરોધ સ્થળ પરથી મળી આવ્યા છે ઘણા હથિયારો
પોલીસ વડા અલી રિઝવીએ જણાવ્યું હતું કે મંગળવારના ઓપરેશનમાં 600 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે છેલ્લા ત્રણ દિવસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 954 પર પહોંચી ગઈ છે. તેમને કહ્યું કે જ્યાં હજારો લોકો એકઠા થયા હતા ત્યાંથી રાઈફલ અને ટીયર ગેસ ગન સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.
‘પોલીસે સેંકડો લોકોને ગોળી મારી’
ઈમરાન ખાનના સહયોગી અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર વિરોધનો ભાગ હતા. તેમને અધિકારીઓ પર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે અતિશય બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું છે કે સેંકડો લોકોને ગોળી મારી દેવામાં આવી છે. પાકિસ્તાનના સૂચના પ્રધાન અને ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તાએ સુરક્ષા દળો દ્વારા સેંકડો લોકોને ગોળી મારવાના આરોપ પર ટિપ્પણી કરવાની ના પાડી હતી.
‘ઈમરાન ખાનની પત્ની બુશરા પર હુમલો’
અલી અમીન ગંડાપુરે ઈસ્લામાબાદથી લગભગ 130 કિલોમીટર દૂર માનસેરા શહેરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી અને તેમના પર સીધો હુમલો કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે હજારો સમર્થકોનું નેતૃત્વ કરી રહેલી બુશરા આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગઈ હતી. દરમિયાન, પીટીઆઈના પ્રવક્તા ઝુલ્ફીકાર બુખારીએ જણાવ્યું હતું કે ખાનની મુક્તિની માંગણી સાથે ચાલી રહેલા વિરોધને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ગાંડાપુરે કહ્યું કે જ્યાં સુધી ઈમરાન ખાન પોતે તેને બંધ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
ગોળીબારમાં 9 લોકોના થયા મોત
પીટીઆઈએ બુશરા બીબીના નેતૃત્વમાં ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈસ્લામાબાદમાં જબરદસ્ત હિંસા થઈ હતી. દૂર-દૂરથી ઈમરાન ખાનના સમર્થકો પગપાળા ઈસ્લામાબાદ પહોંચ્યા, તેમને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા પરંતુ વિરોધીઓ તેમને તોડીને આગળ વધી ગયા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો જેમાં 9 લોકોના મોત થયા.