રશિયામાં આયોજીત એક મુખ્ય કાર્યક્રમમાં બોલતાં રશિયાના સર્વેસર્વા પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પુતિને નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમની દૂરંદેશી વિચાર સરણીની દિલ દઇને પ્રશંસા કરી હતી. પુતિને ભારતના આર્થિક વિકાસ, ટેકનિકલ પ્રગતિ અને વૈશ્વિક મંચ પર તેમની વધતી જતી ભૂમિકાની પ્રશંસા કરતાં કરતાં પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાન અને તેમના ભવિષ્યવાદી દૃષ્ટિકોણને વખાણ્યો હતો.
પ્રેસિડેન્ટ પુતિને વધુમાં જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદી સાથે નિયમિતપણે વાતચીત કરતાં રહે છે અને તેમના પ્રયાસોથી પ્રભાવિત છે. તેમણે જણાવ્યું હતું કે હું વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરતો રહું છું. તેમનું મેક ઈન ઈન્ડિયા અભિયાન ખૂબ જ પ્રભાવશાળી છે. પરંતુ તેનાથી પણ વધીને તેઓ એક એવા નેતા છે કે જે ભવિષ્ય અંગે વિચારે છે. આ બાબત તેમના નેતૃત્વમાં ભારતની થયેલી પ્રગતિમાં સ્પષ્ટ દેખાઇ આવે છે.