ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ અંતર્ગત વિસનગર તાલુકાના બાસણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરિવારના સ્વાસ્થ્યને અને ભાવી પેઢીને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. ઈઝરાયેલ પધ્ધતિથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ભાવી પેઢીને સ્વસ્થ અને સમૃધ્ધ બનાવીએ. લગ્નમાં ગાય અને પ્રાકૃતિક અનાજ, બિયારણ અને ઘી આપો. માનવચક્રના અસ્તિત્વને ટકાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. બધા દર્દોની દવા પ્રાકૃતિક ખેતી છે. આ પરિસંવાદમાં મહેસાણા જિલ્લાની વિવિધ કચેરીઓના વિવિધ યોજનાઓ અને સફળતાઓ દર્શાવતા 17 પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા. તમામ સ્ટોલની સાંસદ હરિભાઈ પટેલે મુલાકાત લઈ વિગતો મેળવી હતી.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વિસનગર, ઊંઝા અને મહેસાણા તાલુકાના કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતીમાં આદર્શ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતોને સન્માનપત્ર આપ્યાં હતાં. જેમાં વિસનગરના દશરથભાઈ પટેલ, બ્રાહ્મણવાડાના ઠાકોર રાકેશકુમાર, તળેટી ગામના પ્રાકૃતિક ખેડૂત હરેશભાઈ પટેલ, પ્રાકૃતિક ખેતીની વિનામૂલ્યે યુટુબ ચલાવનારા દેલાના હર્ષદભાઈ ચૌધરી અને કાંસા ગામના રાજુભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સફળ પ્રાકૃતિક ખેતી કરતા હરેશભાઈ પટેલ, પશુપાલક અને ખેડૂત નીતાબેન ચૌધરી, ડાહ્યાભાઈ પટેલે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અનીશ ભટ્ટ, બાગાયત અધિકારી નરેન્દ્રભાઈ ચૌધરી સહિત ગ્રામ સેવકો, બીટીએમ, એટીએમ તેમજ આત્મા કચેરી અને ખેતીવાડી કચેરી કર્મયોગીઓ સહિત મહેસાણા, ઊંઝા અને વિસનગરના ખેડૂત અને પશુપાલક ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાસણામાં મિલેટ્સ વાનગીનું પ્રદર્શન યોજાયું
બાસણા સ્થિત મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં સંકલિત બાળ વિકાસ યોજના વિસનગર ઘટકના કંસારાકુઈ સેજા દ્વારા મિલેટ્સ વાનગીનું પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો હતો. મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર તેજલબેન શેઠે આ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં પશુપાલક અને ખેડૂત ભાઈઓ બહેનોએ રસપૂર્વક માહિતી મેળવી હતી. મુખ્ય સેવિકા બિનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, કંસારાકુઈ સેજાના આ સ્ટોલમાં ટેક હોમ રાસન અને મિલેટ્સમાંથી બનાવેલ વિવિધ વાનગીઓના પ્રદર્શનને લોકોએ નિહાળી હતી.