મહેસાણા શહેરમાં પતંગ અને દોરાના એક ડઝન કરતાં વધુ હોલસેલ વેપારીઓએ એક પખવાડિયા પૂર્વે જ પોતાનાં ગોડાઉનમાં માલનો સ્ટોક કરી લીધો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગ-દોરીનો વેપાર કરતા છુટક વેપારીઓએ હોલસેલ ધારકોને ત્યાં વ્યાપારીક પૂછપરછ હાથ ધરી છે અને ખરીદી માટે તૈયારી શરૂ કરી છે.
મહેસાણાના હોલસેલ વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પતંગ બજારમાં જોઈએ તેવી તેજીનો માહોલ જામ્યો નથી અને અગાઉના વર્ષ કરતાં ભાવ-તાલમાં પણ જાજો ફર્ક જોવા મળ્યો નથી. પતંગનું ઉત્પાદન સામાન્ય રીતે નાના પાયે પારિવારિક રીતે થાય છે. કેટલાક પરિવારો પતંગનું પરંપરાગત ઉત્પાદન કરે છે. જ્યારે વિવિધ બ્રાન્ડની દોરીઓ અન્ય રાજ્યોમાંથી આયાત કરાય છે. હોલસેલ વેપારીઓનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સફેદ ચિલ પતંગના ભાવ રૂ.3,500 રૂ.3,800, કલર ચિલના ભાવ રૂ.3,500 થી રૂ.3,800, કલર પ્રિન્ટના ભાવ રૂ.4,200 થી રૂ.4,પ00, કલર ચાંદલા પતંગના ભાવ રૂ.6,500, લેમન પ્રિન્ટ પતંગના ભાવ રૂ.4,000 થી રૂ.4,500 અને ખંભાત બ્રાન્ડ પતંગના ભાવ રૂ.5,000 થી રૂ.5,500 હોલસેલ ભાવ છે. આ ભાવ એક હજાર પતંગના છે. છુટક માર્કેટમાં આ ભાવથી વધુ ભાવે વેચાતા હોય છે. આ ઉપરાંત, 2,500 વાર શિવમ્ દોરીના ભાવ રૂ.750, બરેલી દોરીના ભાવ રૂ.2000 વાર દોરીનો ભાવ રૂ.550, સાંકળ-8 રિલના ભાવ 9 તાર 5,000 તેમજ પાન્ડા 9 તાર દોરીનો ભાવ 5,000 વારના રૂ.850 જેટલો છે. હવે, ઉત્તરાયણ પર્વ આડે ગણતરીના દિવસ બાકી હોવાથી વેચાણમાં વધારો થાય તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.