મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે આવેલા યાત્રાધામ અન્નપૂર્ણા માતાજીના વ્રત મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. મોદીપુર સ્થિત અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં 21 દિવસીય વ્રત મહોત્સવ યોજવામાં આવનાર છે. આ દિવસો દરમ્યાન મોટાપાયે મેળો પણ ભરાશે. આ સમય દરમ્યાન ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. આ વ્રત મહોત્સવ દરમ્યાન બહારથી આવતા યાત્રાળુઓ માટે મહેસાણા એસ.ટી.ડેપો દ્વારા એકસ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવે છે.
અહીં આવતા યાત્રાળુઓ માટે રહેવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મોદીપુર, અંબાસણ અને ભેંસાણા ગામની ત્રિભેટે આવેલા આ સ્થાનકની ચારે કોર વનરાજી ફેલાયેલી છે.
મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન જાનીના જણાવ્યા અનુસાર મહારાજા મુલદેવજીએ સને 1924ને કાર્તિક સુદ પુનમના રોજ ગોત્રી બ્રાહ્મણો દ્વારા અન્નપૂર્ણા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા સંવત 2033એ વૈશાખ સુદ તેરસના રોજ કરવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં શનિદેવ અને કાશી વિશ્વનાથનું મંદિર પણ છે.