મહેસાણા તાલુકાના આખજ ગામની 4 વિઘા ગૌચર જમીનને ખાનગી સર્વે નંબર સાથે ભેળવી દઈ વેચી દેવાના કૌભાંડના સમાચાર સંદેશમાં પ્રસિધ્ધ થતાં જ સરકારી તંત્ર અને લોક પ્રતિનિધિઓ હરકતમાં આવી ગયા છે. રાજય સરકારે પણ આ બાબતની ગંભીર નોંધ લઈ ગૌચરની જમીન પરત લેવા સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપી હોવાના અહેવાલ છે. કલેકટરે પ્રાંત અધિકારીને આ પ્રશ્ન અંગેની ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. આખજ ગૌચર જમીનનું કૌભાંડ બહાર આવતાં અન્ય ગામોમાં પણ ગૌચરના દબાણોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આખજના જૂના સર્વે નં.90ની ગૌચરની બાજુમાં ખેતીની જમીન ધરાવતા જીલુજી ચાવડા સહિતના ખેડૂતોએ ડીઆઈએલઆરના સર્વેયર સાથે સાંઠગાંઠ કરી ગૌચરની 4 વીઘા જમીન હડપ કરી દીધી હતી. જો કે, જાગૃત ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતાં આ જમીનના વેચાણની નોંધ અટકી હતી. પરંતુ, આ જમીન વેચનાર અને લેનારે ચાલાકી વાપરી કોર્ટને અંધારામાં રાખી નોંધ મંજૂર કરવાનો કોર્ટમાંથી હુકમ મેળવી વેચાણ નોંધ પડાવી લીધી હતી. રી-સર્વેની ટીમ સાથે ગોઠવણી કરી ગૌચરનો 17 ટકા જેટલો હિસ્સો ઓળવી જનાર જીલુજી ચાવડા અને તેમના કુટુંબીજનોએ આ જમીન શકરીબેન કનુભાઈ વાઘરીને વેચાણ પણ આપી દીધી હતી. જો કે,1952 -53 ના 7-12 ઉતારા અને નોંધો જોતાં ગૌચરની જમીન પચાવી પાડવા આખો ખેલ રચાયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
આથી, મહેસાણાના પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદે ગૌચરની જમીન પરત ગૌચરના હેડ લઈ જવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગૌચરની જમીનનો બીજા કોઈપણ હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી. જેથી આ કૃત્ય કરનાર વ્યકિત કે વ્યકિતઓ સામે લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી પણ થશે. આમ, ગાયો-ભેંસોને ચરવા માટેનું ગૌચર બે પગવાળા આખલા ચરી જશે તો મુંગા પશુઓ ક્યાં જશે. સરકારી તંત્રએ આ પ્રશ્નને ગંભીરતા સાથે હલ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.