ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો કથળેલા છે અને હાલમાં બન્ને દેશ વચ્ચેના સંબંધો એક નવા નીચલા સ્તર પર પહોંચી ગયેલાં છે. આ દરમિયાન કેનેડામાં થયેલાં એક સરવેમાં 39 ટકા લોકો માને છે કે ટ્રુડો સરકાર બન્ને દેશ વચ્ચેના સંબંધોને સારી રીતે મેનેજ કરી શકી નથી એટલું જ નહીં આ સર્વેક્ષણ અનુસાર કેનેડાના 39 ટકા લોકો દ્રઢપણે માને છે કે જ્યાં સુધી ટ્રુડો વડાપ્રધાન છે
ત્યાં સુધી સંબંધોમાં કોઇ સુધારો નહીં થાય. જો કે 34 ટકા કેનેડિયન નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે પણ સમાન મત ધરાવે છે. એંગસ રીડ ઇન્સ્ટિટયૂટ અને એશિયા પેસેફિક ફાઉન્ડેશન ઓફ કેનેડા દ્વારા કરવામાં આવેલા સરવેમાં જો કે એ બાબત પર સર્વસહમતી ઊભી થઇ શકી નથી કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ઘટાડો થયો છે તેના માટે કોણ જવાબદાર છે. જો કે મોટાભાગના લોકોએ તેના માટે કેનેડિયન સરકાર પર જ દોષનો ટોપલો ઢોળ્યો હતો. આ સરવે અનુસાર સરવેમાં સામેલ 32 ટકા લોકોએ ટ્રુડોની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો જ્યારે 29 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કશું કહી શકે નહીં. નોંધનીય છે કે કેનેડામાં 2025માં સંસદની ચૂંટણી યોજાશે અને તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિજય સાથે પિયરે પોલિવરે કેનેડાના પીએમ બને તેવી પ્રબળ સંભાવના છે તે પછી દ્વપક્ષીય સંબંધો સુધારવાની તક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રુડો દ્વારા ભારત વિરુદ્ધ કરાયેલા ધડમાથા વિનાના આરોપો બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો હાલ એકદમ તળિયે પહોંચ્યા છે.