અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર પર અમેરિકામાં લાગેલા આરોપોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાનું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજાને સીધા જ બોલાવી શકે નહીં. તેમને યોગ્ય રાજદ્વારી રીતે સમન્સ મોકલવા પડશે.
SEC પાસે વિદેશી નાગરિકને સીધા બોલાવવાની કોઈ સત્તા નથી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ SEC પાસે 265 મિલિયન ડોલરના (રૂ. 2,200 કરોડ) લાંચના કેસમાં કોઈપણ વિદેશી નાગરિકને સીધા બોલાવવાની કોઈ સત્તા નથી. તેથી તેમને રાજદ્વારી માધ્યમો દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવા પડશે અને SEC ઈચ્છે છે કે અદાણી તેમની સામેના આરોપો પર પોતાનો પક્ષ રજૂ કરે અને તેમનું નિવેદન નોંધે.
દૂતાવાસ દ્વારા સમન્સ મોકલવાના રહેશે
આ કેસ પર નજર રાખી રહેલા બે સૂત્રોના જણાવ્યા મુજબ અદાણીને યુએસમાં ભારતીય દૂતાવાસ દ્વારા સમન્સ મોકલવા પડશે અને અન્ય રાજદ્વારી ઔપચારિકતાઓ હેઠળ સ્થાપિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે અમેરિકન એસઈસીનો વિદેશી નાગરિકો પર કોઈ અધિકાર નથી. આ સમન્સ ન્યૂયોર્ક કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા SECના કાનૂની દસ્તાવેજનો એક ભાગ છે અને અદાણી સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. અદાણીને હજુ સુધી કોઈ સમન્સ પાઠવવામાં આવ્યું નથી.
બુધવારથી શરૂ થયો કેસ
ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત 7 વધુ લોકો સામે બુધવારે ન્યૂયોર્કની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. આ લોકો પર આરોપ છે કે તેઓ 2020 અને 2024 વચ્ચે સોલર સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયનની લાંચ આપવા માટે સંમત થયા હતા.
અદાણી ગ્રુપની આ કંપનીઓ સામે કોઈ આરોપ નથી
તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જુગશિન્દર રોબી સિંહે અમેરિકામાં કંપની સામેના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રૂપ પાસે 11 કંપનીઓનો પોર્ટફોલિયો છે અને તેમાંથી કોઈ પણ કાર્યવાહી હેઠળ નથી. તેનો અર્થ એ કે આ કંપનીઓ હાલમાં જ ન્યૂયોર્કની કોર્ટમાં વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈપણ કાનૂની કાર્યવાહીમાં આરોપી નથી. તેમણે કહ્યું કે આરોપો અદાણી ગ્રીનના કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત છે, જે અદાણી ગ્રીનના કુલ બિઝનેસના લગભગ 10 ટકા છે. તેમણે કહ્યું કે અમે આ વિશે વિગતવાર જણાવીશું.