ગુજરાતમાં બદલાતી જીવનશૈલી, ગુણવત્તા વિહીન પાણી અને ખોરાક તેમજ આનુવાંશિક અસરો હવે નવી પેઢીમાં પણ ઝડપથી દેખાવા માંડી છે. શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્થાસ્થ્ય કાર્યક્રમની માર્ગદર્શક સમિતિની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષપદે શનિવારે મળી હતી.
જેમાં ગુજરાતમાં શાળાએ ભણતા બાળકોમાં સૌથી વધુ હાર્ટ સંબંધિત રોગનું નિદાન થયાનો અહેવાલ રજૂ થયો હતો. અહેવાલ અનુસાર દરમહિને 1400થી વધુ બાળકોને સરકારી ખર્ચે હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી રહી છે. ઉક્ત કાર્યક્રમ હેઠળ વર્ષ 2019થી 2024ના નવેમ્બર સુધીના સાડા પાંચ વર્ષમાં રાજ્યમાં 15.48 લાખ બાળકોને હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી છે. સરકારી ખર્ચે અર્થાત સાવ નિઃશુલ્કપણે આપવામાં આવતી આ સારવારમાં ચાલુ વર્ષે એપ્રિલથી લઈ નવેમ્બર વચ્ચેના 7 મહિનામાં 10,320 બાળકોને હૃદય સંલગ્ન સર્જરી- સારવાર અપાઈ છે. બાળકોમાં સામાન્યતઃ કીડની સંબંધિત રોગની ઓછી અસર જોવા મળે છે. પરંતુ, છેલ્લા સાડા પાંચ વર્ષમાં તેનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યુ છે. આ વર્ષોમા કુલ 27,226 કીડનીની સારવાર અપાઈ છે જેમાંથી 249 બાળકોને તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા પડયા છે. આ વર્ષે 7 મહિનામા કુલ 1262 બાળકોને કિડની સંબંધિત રોગમાં સારવાર અપાઈ છે. આ બેઠકમાં વિનામૂલ્યે નિદાન, સારવાર સેવાઓ માટે ઈ-સાઈન થયેલા દસ્તાવેજનો પણ માન્ય ગણવા સહિતના આઠ એજન્ડા ઉપર વિગતવાર ચર્ચા થઈ હતી. ઉપરાંત તપાસ અને સારવારની સાથે સાથે બાળકોના આરોગ્ય ઉપર અસરકર્તા અન્ય પરિબળો અને પર્યાવરણ સહિતની બાબતોનું ધ્યાન રાખવા શાળાની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતની સફાઈથી લઈ પોષણ યુક્ત આહોર જેવી બાબતો અંગે પણ પુરતી કાળજી રાખવા સુચનો કરાયા હતા. ઉલ્લેખનિય છે કે અહેવાલમાં સ્કૂલે જતા બાળકોમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી હોય તેવા આંકડા પણ સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પ્રમાણે 16,000 બાળકોને કેન્સરની સારવારની જરૂરી પડી હતી.