દિયોદરના લુદરા નજીક મંગળવારે રાત્રે ભંગારના ગોડાઉનમાં આગના બનાવના હજુ કલાકો પણ વીત્યા નથી ત્યાં દિયોદર શહેરમાં બનાસ બેંક નીચે સાડીના શો રૂમમાં એકાએક બુધવારની રાત્રે ફરી આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. સાડીના શો રૂમ અને ગોડાઉનમાં આગ લાગતાં સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. શો રૂમના વેપારીને પણ આગની જાણ કરતા મોડી રાત્રે દોડી આવ્યા હતા. સાડીના શો રૂમમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દિયોદર ગ્રામ પંચાયતની ફાયર ટીમ પણ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં દિયોદર ડીવાયએસપી સુબોધ માનકર,પીઆઈ કે.એચ.બિહોલા,પી.એસ.આઈ એન.પી.સોનારા,મામલતદાર ,તલાટી કમ મંત્રી પણ દોડી આવ્યા હતા. આગ સમગ્ર ગોડાઉનમાં ફરી વળતાં તંત્રએ થરા અને ભાભર ફાયર ફાયટરની મદદ લેતા મોડી રાત્રે ફાયર ટીમ પણ આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે વેપારીને મોટું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.