– ધર્મસ્થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠશે
– ધનતેરસ અને કાળીચૌદશના પર્વને અનુલક્ષીને હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ અને મહાકાળીમાના મંદિરે શ્રધ્ધાળુઓની ભારે ભીડ, યજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા, દિપોત્સવી પર્વે શહેરની બજારોમાં મેરી ગો રાઉન્ડનો ક્રેઝ યથાવત
ભાવનગર : હર્ષોલ્લાસ અને ઉજાશના મહાપર્વ સમુહ દિપોત્સવીની પર્વમાળા અંતગર્ત આવતીકાલ તા.૩૧ ઓકટોબરને ગુરૂવારે ગોહિલવાડમાં દિવાળી પર્વની પરંપરાગત રીતે આતશબાજીની રમઝટ સાથે ઉમંગભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવશે.દિવાળીપર્વને અનુલક્ષીને અત્ર, તત્ર અને સર્વત્ર હર્ષોલ્લાસનો અનેરો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
રોશનીની પર્વમાળા દિપોત્સવીના તહેવારની આવતીકાલ તા.૩૧ ને ગુરૂવારે ભારે હર્ષોલ્લાસભેર રંગે ચંગે ઉજવણી કરાશે. દિવાળીના તહેવાર નિમીત્તે ગોહિલવાડમાં લોકોમાં ભારે ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે.તિથિના અપવાદોના કારણે મંગળવારે બપોર બાદથી લઈને બુધવારે બપોર સુધી બે દિવસ ધનતેરસ ઉજવાઈ હતી. ધનતેરસના પર્વે લોકોએ શુકનવંતા સોના,ચાંદીના આભુષણો, નવા વાહનો તેમજ ઈલેકટ્રોનિકસ ઉપકરણોની ધૂમખરીદી કરતા શોરૂમો સતત ધમધમતા રહ્યા હતા. ગૃહિણીઓએ લક્ષ્મીપુજન અને શારદાપુજન કર્યુ હતુુ. આ સાથે અનેક સ્થાવર જંગમ મિલક્તની ખરીદી, વેચાણના કાર્યો પાર પડાયા હતા.જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ધન અને ધાન્યની પુજાવિધિ કરાઈ હતી.આ સાથે ગૃહિણીઓ દ્વારા વિધિવત રીતે ઉમરા પૂજન કરાયુ હતુ. એટલુ જ નહિ શુભ મુર્હૂતે સોના ચાંદીના આભૂષણો, ચલણી નોટ, સંપુર્ણ મહાલક્ષ્મી યંત્ર, દુર્ગા વિસા યંત્ર, સ્ફટિકનું શ્રી યંત્ર, કુબેર યંત્ર ઉપરાંત મહાલક્ષ્મીજીના સ્થાયી પ્રતિક પીન, કોડી, ગોમતીચક્ર, કમળકાકડી, શ્રીપર્ણી, દક્ષિણાવર્તી શંખ, મોતીશંખ, કનકધારા, સર્વસિધ્ધિદાયક લક્ષ્મીયંત્ર તેમજ સ્વસ્તિકના પ્રતિકની પ્રતિષ્ઠા કરી વિધિવિધાન સાથે વિશેષ પૂજન અર્ચન કરાયુ હતુ.અનેક પરિવારો દ્વારા ઘરે ઘરે કુમારિકાઓના કંકુપગલા કરી વિધિવત પૂજન કરાયુ હતુ.સાંજે ધર્મદિપદાન કરાયુ હતુ. શહેરના વોરાબજારમાં આવેલા શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સંચાલિત પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના મંદિરે માતાજીની વિશેષ મહાપૂજા કરાઈ હતી. આ અવસરે માતાજીની સોનાની મૂર્તિ અભિષેક માટે ગર્ભગૃહમાંથી બહાર મંદિરના ચોકમાં લાવવામાં આવી હતી. આજયારે સાંજના અરસામાં કાળી ચૌદશના પર્વે મંત્ર અને તંત્રની સાધના કરાઈ હતી. આ નિમીતે હનુમાનજી,શનિદેવ, કાળભૈરવ અને મહાકાળી માતાજીના મંદિરોમાં વિશેષ પુજા, યજ્ઞા સહિતના કાર્યક્રમોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અનેક પરિવારો દ્વારા માતાજીના નૈવેદ્ય ધરાયા હતા. હવનમાં ભાવિકોએ ભાવભેર આહૂતિઓ આપી હતી.કમ્મરતોડ મોંઘવારીને વિસરી જઈને લોકોએ દિવાળીના અવસરના પ્રારંભે આવતીકાલે ગુરૂવારે ઘરઆંગણે મનોહર રંગોળીઓ દોરી, ઘરના બારણા પર આસોપાલવના તોરણ બાંધી, ગૃહિણીઓે દ્વારા ઉમરાપુજન કરીને દિવાળીના હરખભેર વધામણા કરવામાં આવશે. આ સાથે રહેણાંકીય સોસાયટીઓ, મંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકો, ઉદ્યોગ, ફેકટરીના આંગણે પણ એક એકથી ચડીયાતી કલાત્મક રંગોળીઓ દ્રશ્યમાન થશે. દિપોત્સવીના અવસર પ્રસંગે ધર્મસ્થાનકોમાં મંગળા આરતી કરવાનો અનન્ય મહિમા હોય શહેરના સ્વામિનારાયણ મંદિરો અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠશે. લોકો સજીધજીને મંગળા આરતીમાં પરિવારજનો સાથે ઉમટી પડશે. દિવાળીના તહેવારમાં ચોપડાપૂજનનું અનન્ય મહત્વ હોય વેપારી પેઢીઓમાં વ્યકિતગત ચોપડા પુજનવિધિ થશે.જયારે શહેરના સ્વામિનારાયણ મંદિર, હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં સામુહિક ચોપડાપુજનના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે ટેકનોલોજીના જમાનામાં હિસાબી ચોપડાની સાથે લેપટોપ, કોમ્પ્યુટર, ઈલેકટ્રોનિકસ સાધનો,હાર્ડ ડિસ્કની પણ પુજા કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
દિવાળીએ મોડી સાંજથી શહેરના ઘોઘાગેટ,દિવાનપરા રોડ,વોરાબજાર, પીરછલ્લા શેરી સહિતના સ્થળોને સાંકળતા મેરી ગો રાઉન્ડમાં આબાલવૃધ્ધ શહેરીજનો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે હોંશે હોંશે ઉમટી પડશે. આ પર્વને અનુલક્ષીને અનેક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ જાહેર રજાઓનો લાભ લેવા અને પરસ્પર હળવા મળવાના તેમજ અન્યત્ર સામુહિક હરવા ફરવા જવાના કાર્યક્રમો ઘડી કાઢયા છે.