રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. યુવાનો જાહેર રોડ પર બેફામ રીતે કાર અને બાઈક હંકારીને અન્ય નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકે છે. ત્યારે ભાવનગર શહેરમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક કાર ચાલકે 4 લોકોને અટફેટે લીધા છે. 2 એક્ટિવા ચાલક અને 2 રાહદારીને આ પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે અટફેટે લીધા છે.
કાર ચાલક અકસ્માત સર્જીને કાર ઘટનાસ્થળે મૂકીને જ થયો ફરાર
શહેરના લીલા સર્કલથી સીદસર જવાના રસ્તા ઉપર આવેલી જગદીશશ્વર સોસાયટી નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નંબર પ્લેટ વગરની પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે 2 એક્ટિવા સવાર વ્યક્તિઓ અને 2 રાહદારીઓને અડફેટે લીધા છે અને કાર ચાલક અકસ્માત સર્જીને કાર ઘટનાસ્થળે મુકીને જ ફરાર થઈ ગયો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્વીફ્ટ ગાડીનો ચાલક સગીર હોવાનું અનુમાન છે. કાર ચાલકે 4થી વધુ લોકોને અડફેટે લેતા ચારેય લોકોને ઘણી ઈજાઓ પહોંચી છે અને હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હિટ એન્ડ રનની ઘટનાને લઈ ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.
રાજકોટમાં જાહેર રોડ પર રેસિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ઘણા વિસ્તારોમાં રેસિંગના રફતારો બેફામ બન્યા હતા અને આ બેફામ બનેલા તત્વો રોડ પર કોઈની પણ પરવાહ કર્યા વગર ફૂલ સ્પીડે પોતાનું વાહન હંકારતા, એકબીજા વચ્ચે રેસિંગ પણ કરતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે હવે રાજકોટમાં આવા રેસિંગ કરનારા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસે રફતારના માફિયાઓને ઝડપી પાડયા છે. શહેરની ભારત હોટલ પાસેથી સ્ટંટ કરનારા 24 લોકોને પોલીસે પકડ્યા છે. બુધવારે રાજકોટથી જામનગર સુધી એક રેસ યોજવામાં આવી હતી અને આ રેસમાં આ તમામ લોકોએ ભાગ લીધો હતો. પોલીસે કાર્યવાહી કરતા રેસિંગમાં ભાગ લેનારા 10 બાઈક અને 2 ફોર વ્હીલર કબજે કરવામાં આવી છે. જોખમી રીતે રેસ લગાવીને આ રફ્તારના રાક્ષસોએ લોકોમાં ભય ફેલાવ્યો હતો.