દોઢેક વર્ષ પૂર્વે આધેડને મહુવા દરિયા કિનારેથી મળ્યો હતો જથ્થો, ભત્રીજાને કહી વેચાણની હતી પેરવીમાં
અત્તર,દવાઓ બનાવવા ઉપયોગી ઉલ્ટી (એમ્બરગ્રીસ) અંગે સોશિયલ મીડિયામાં કિંમત જાણી, કમાણીની લાલચ જાગી હતી : વેચાણ પૂર્વે જ પોલીસે વન વિભાગને સાથે રાખી મોટાબાપુ અને તેના ભત્રીજાને જથ્થા સાથે ઝડપી પાડયો
રાજ્યમાં સંભવતઃ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી મહુવા પોલીસે બાતમીના આધારે પાડેલાં દરોડામાં સમુદ્રી ખજાના અને તરતું સોનું તરીકે ઓળખાતી અને વૈશ્વિક બજારમાં જેની ખૂબ માંગ છે એવી ૧૨ કરોડની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ૧૨ કિલો ઉલ્ટી સાથે મહુવા પંથકમાં રહેતાં આધેડ અને તેના ભત્રીજાને ઝડપી પાડયા હતા. વન વિભાગની સાથે પોલીસે પાંડેલાં સયુંક્ત દરોડામાં ડાયવર્કસના કારખાનામાં છૂપાવેલાં આ કિંમતી જથ્થાને ઝડપી બન્ને વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પૂર્વે મળેલાં કિંમતી જથ્થા અંગે બન્ને સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું.