બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર થઇ રહ્યા છે તેવામાં અમેરિકા તરફથી નિવેદન સામે આવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા માર્ગરેટ મેકક્લાઉડે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા બાંગ્લાદેશમાં સ્વસ્થ લોકશાહી જોવા માંગે છે. ત્યાં દરેક વ્યક્તિના માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કહ્યું, કે બાંગ્લાદેશમાંથી અત્યારે જે સમાચારો મળી રહ્યા છે તે ચિંતાજનક છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમને આશા છે કે બાંગ્લાદેશમાં લોકો તેમના ધર્મને અનુસરીને જીવન જીવી શકશે.
કોણ છે માર્ગરેટ મૈક્લાઉડ ?
તમને જણાવી દઈએ કે માર્ગારેટ મૈક્લાઉડ અમેરિકન રાજદ્વારી અને અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પ્રવક્તા છે. તેમની પાસે રાજદ્વારી તરીકે 14 વર્ષનો અનુભવ છે. માર્ગારેટની સૌથી રસપ્રદ વાત એ છે કે હિન્દી ભાષા પર તેનો સંપૂર્ણ કબજો છે એટલું જ નહીં, તે ઉર્દૂ અને ગુજરાતી પણ બોલે છે. માર્ગારેટની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે અંગ્રેજી સિવાય હિન્દી, ઉર્દૂ, ગુજરાતી, ફ્રેન્ચ અને જાપાનીઝ જાણે છે.
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ સ્થિતિ વણસી વધારે
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં ઇસ્કોન પ્રમુખ ચિન્મય દાસની ધરપકડ બાદ સ્થિતિ વધુ વણસી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ પર BNP અને જમાતના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 50 હિન્દુઓ ઘાયલ થયા હતા. ચિન્મય પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના સભ્યો દરેક જિલ્લામાં શાંતિપૂર્ણ સભાઓનું આયોજન કરી રહ્યા છે. જો કે, ઉગ્રવાદી જૂથો આ બેઠકો પર હુમલો કરી રહ્યા છે.