બાંગ્લાદેશમાં ઈસ્કોનના લીડર ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે અને બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરવામાં આવી છે, ત્યારે હવે જમાતના કાર્યકરો ઈસ્કોનને ધમકીઓ આપી રહ્યા છે.
ઈસ્કોન મંદિરને 24 કલાકમાં બંધ કરવાનું અલ્ટીમેટમ
બાંગ્લાદેશના સોનાલી માર્કેટમાં સ્થિત ઈસ્કોન મંદિરને 24 કલાકમાં બંધ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ ધમકી જમાતના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી છે, જ્યારે આ પહેલા મંદિરનું એક બોર્ડ પણ હટાવી દેવામાં આવ્યું હતું. ઘટનાની વિગતે વાત કરીએ તો બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસા વધી ગઈ છે. ત્યારે ઈસ્કોન લીડર ચિન્મય કૃષ્ણ દાસ હિન્દુઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની ઉપર ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.
સમર્થકો રોષે ભરાયા
તમને જણઆવી દઈએ કે 25 નવેમ્બરે ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના સમર્થકો અને હિન્દુ સમુદાયના લોકો ભારે નારાજ છે. બાંગ્લાદેશની કોર્ટે ચિન્મય દાસને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો, જેના પગલે તેમના સમર્થકો રોષે ભરાયા હતા અને હિંસક વિરોધ દરમિયાન એક સરકારી વકીલની હત્યા પણ કરવામાં આવી હતી.
ઈસ્કોન વિરુદ્ધ જમાતનો દુષ્પ્રચાર!
વકીલ સૈફુલ ઈસ્લામના મૃત્યુથી બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીને ફરી એકવાર ઈસ્કોન પર કાર્યવાહી માટે દબાણ લાવવાનો મોકો મળ્યો છે. થોડા દિવસો પહેલા જમાતે યુનુસ સરકાર પાસે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓની એકતાના કારણે જમાતને લાગે છે કે હિન્દુ આંદોલન બાંગ્લાદેશમાં અવામી લીગ અને કાયદેસર ચૂંટણીને સ્થાન આપી શકે છે અને તેના પર ફરીથી પ્રતિબંધ લગાવી શકાય છે.
બાંગ્લાદેશમાં 65 ઈસ્કોન મંદિરો
બાંગ્લાદેશમાં ઈસ્કોનના 65 મંદિર આવેલા છે અને 50 હજારથી વધુ અનુયાયીઓ છે. જ્યારે ઢાકામાં 13 ઈસ્કોન મંદિર છે, જ્યારે ચિત્તાગોંગમાં 14 ઈસ્કોન મંદિર, સિલહટમાં 9, ખુલનામાં 8 અને રંગપુરમાં 7 મંદિર છે. એક તરફ જમાતના કાર્યકરો ઈસ્કોન મંદિર બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે તો બીજી તરફ ઈસ્કોન પર પ્રતિબંધની માગ કરતી અરજી પર ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જમાતના દબાણ સામે લાચાર દેખાતી બાંગ્લાદેશની યુનુસ સરકારે ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે.