ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રીજ પરથી પસાર થતા ડોકટર બે સાઇક્લિસ્ટોને ટક્કર મારીને એક એક્સયુવી કારચાલક ફરાર થઇ ગયો હતો. આ હીટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલીને પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક નબીરાને ઉદેપુરથી ઝડપી લીધો હતો.
જેમાં પોલીસે તપાસ કરતા છારોડી વિસ્તારમાં રહેતો પરમ વોરા તેના મિત્રના છ દિવસ બાદ લગ્ન હોવાથી મિત્રો સાથે વસ્ત્ર્રાપુરમાં આખી રાત દારૂની પાર્ટી કરીને પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત કર્યો હતો. તેમજ અકસ્માત બાદ કાર સર્વિસમાં મૂકીને ઉદેપુર જતો રહ્યો હતો. પોલીસે તેની કાર સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલો નબીરો મહેસાણા ભાજપના નેતાનો પુત્ર હોવાની વિગતો સામે આવી છે
જોધપુરમાં પ્રેરણાતીર્થ બંગ્લોઝમાં રહેતા અનિશભાઇ તિવારી અને તેમના સાઇકલિંગ ગ્રુપ સાથે જોડાયેલા ક્રિષ્નાબેન શુક્લા ગત 23 નવેમ્બરે સવારે છ વાગે ગુપ સાથે સાયકલ લઇને એસ જી હાઇવે પર આવેલા ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રિજ પરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ્ જતા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલી એક એસયુવી કારના ચાલકે અનિશભાઇ અને કિષ્નાબેનને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બંને ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમ્યાન તેમના ગુપના અન્ય સભ્યોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. જેમાં કારનો નંબર સ્પષ્ટ જણાઇ આવતો ન હતો. ત્યારે ડીસીપી ઝોન-1 ના સ્ક્વોડ દ્વારા પણ ટ્રાફ્કિ પોલીસની સાથે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે અકસ્માત સ્થળ પહેલાના સ્થળો પરના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કારનો રંગ અને મોડલ તેમજ રજિસ્ટ્રેશનના કેટલાંક નંબરને આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે કારનો માલિક છારોડીનો 29 વર્ષીય પરમ ઉદય વોરા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તેની ઉદેપુરથી ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા અકસ્માત બાદ તે કારને એક સર્વિસ સેન્ટર પર મુકીને ચાર દિવસ માટે ઉદેપુરમાં લગ્નપ્રસંગમાં જવાનું હોવાનું કહીને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે કાર પહેલા વસ્ત્ર્રાપુરમાં જોવા મળી હતી. જેથી પરમ વોરાની પુછપરછ કરતા શુક્રવારે રાત્રે તેના મિત્રો સાથે દારૂની પાર્ટી કરીને સવારે ઘરે પરત જતો હતો.