કૃષ્ણનગરમાં રહેતા વિધાર્થીને ઓસ્ટ્રોલિયા વર્ક પરમીટ આપવાનું કહી ગઠિયાએ 12 લાખ એજન્ટે લીધા હતા. ત્યાર બાદ તેને અરમેનિયા દેશમાં લઇ ગયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયા જવા ટિકિટ પેટે 2,500 ડોલર પડાવ્યા હતા અને એરપોર્ટ પર મોકલ્યો હતો. જ્યાં ઇમિગ્રેશન અધિકારીએ તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ યુવક અમદાવાદ પરત આવી ગયો હતો. આ અંગે વિદ્યાર્થીએ એજન્ટ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
12 લાખ વર્ક પરમીટ વિઝા કરી આપવા કહ્યું હતું
ઠક્કરનગરમાં 21 વર્ષીય દિપક પટેલ પરિવાર સાથે રહે છે અને સીયુ શાહ કોલેજમાં અભ્યાસ કરે છે. દોઢ મહિના અગાઉ દિપકના કાકાના સાઢુભાઇ જય પટેલ સાથે દિપકનો સંપર્ક થયો હતો. જય વર્ક પરમીટ વિઝાનું કામ કરતો હોવાથી તેની સાથે દિપકે વર્ક પરમીટ માટે વાતચીત કરતો હતો. ત્યારે જયે દિપકને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી 12 લાખ વર્ક પરમીટ વિઝા કરી આપવાનું કહ્યું હતું. જેથી દિપકે 12 લાખ આપ્યા હતા. બાદમાં જયે વિઝાની પ્રોસેસ કરીને ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝાની માહિતી મોકલી આપી હતી.
અરમેનિયા એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યો હતો
બાદમાં જયે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા અરમેનિયા થઇ જવું પડશે અને ગત 5 માર્ચે 2024ની અરમેનિયાની ટિકીટ આપી હતી. જેથી દિપક અરમેનિયા ગયો હતો. જ્યાં પહોંચ્યા બાદ જયે તેનો ઓરિજનલ પાસપોર્ટ લઇ લીધો હતો અને પછી તેણે ઓસ્ટ્રેલિયાના વિઝા આપતા દિપકે જણાવ્યું હતું કે, વર્ક પરમીટ વિઝાની વાત થઇ હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ વર્ક પરમીટ વિઝા આપી દઇશ. ગત 25 માર્ચે ઓસ્ટ્રેલિયા જવાની ટિકિટ કરી આપવાનું કહી બીજા 2500 ડોલર માગ્યા હતા અને આ પૈસા પછી પાછા આપી દઇશ તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ તે અરમેનિયા એરપોર્ટ પરથી ઓસ્ટ્રેલિયા જવા નિકળ્યો હતો.
યુવકે એજન્ટ સામે ફરિયાદ નોંધાવી
ત્યારે એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, તમે ઓસ્ટ્રેલિયા જઇ શકો નહીં તમારા વિઝા નકલી છે. ત્યાર બાદ દિપક પરત હોટલ જતો રહ્યો હતો. ત્યારે જયે ફરી અઠવાડિયામાં વિઝા કરી આપીશ તેમ જણાવ્યું હતું. પરંતુ વિઝા આપ્યા ન હતા. જેથી જયે જણાવ્યું હતું કે, તું ભારત પરત આવી જા, તારુ કામ નહીં થાય તો તારા રૂપિયા પરત આપી દઇશ. ત્યાર બાદ દિપક અરમેનિયાથી ભારત પરત આવી ગયો હતો. પછી તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે દિપકે જય સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.