લેબનોનમાં ઈઝરાયલનું સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે. ઈઝરાયલની સેના ભીષણ હવાઈ હુમલાની સાથે ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલુ રાખી રહી છે. આ સમય દરમિયાન IDFને દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના હથિયારોનો મોટો જથ્થો મળ્યો છે. લશ્કરી વાહનોનો કાફલો પણ અહીં પાર્ક કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર હિઝબુલ્લાહના પેરાટ્રૂપર્સ બ્રિગેડના લડવૈયાઓ ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા નરસંહાર જેવો હુમલો કરવાની યોજના હતી, જેને ઈઝરાયલે સમયસર અટકાવી દીધી છે.
દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, દક્ષિણ લેબેનોનમાં ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન હિઝબુલ્લાના અનેક કોમ્બેટ કમપાઉડ્સની શોધ કરવામાં આવી હતી. અહીંથી સેંકડો હથિયારો મળી આવ્યા હતા, જેમાંથી ઘણા ખતરનાક હતા. હિઝબુલ્લાના રદવાન ફોર્સના લડવૈયાઓ તેનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે કરવાના હતા. આ હથિયારોમાં રોકેટ લોન્ચર, મોર્ટાર, માઈન, આઈઈડી, વિસ્ફોટક, એન્ટી ટેન્ક મિસાઈલ અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ હથિયારો જપ્ત કરીને ઈઝરાયલ મોકલવામાં આવી રહ્યા છે.
હિઝબુલ્લાની એક ટનલ હથિયારોનો જથ્થો મળ્યો
શનિવારે ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાની એક ટનલ પણ શોધી કાઢી હતી. તેમાંથી હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. જો ઈઝરાયલે ઉત્તરી ઈઝરાયલની નજીક લેબનોનમાં સ્થિત આ ટનલની શોધ ન કરી હોત તો તે તેના માટે મોટો ખતરો બની શકે તેમ હતી. આ ટનલનો ઉપયોગ હજુ સુધી કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેમાં હથિયારોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ હથિયારો દ્વારા હમાસના લડવૈયાઓ દ્વારા ઈઝરાયલ પર સમાન હુમલાની યોજના બનાવવામાં આવી હતી.
લેબનોન પર ઈઝરાયલની સેનાનો બે તરફી હુમલો
આ ટનલના મધ્ય ભાગમાં એક લિવિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો, જ્યાં લડવૈયાઓ આરામ કરી શકે. અહીં દરેક પ્રકારની સુવિધા હતી. ટનલમાં એક ફ્રિજ પણ રાખવામાં આવ્યું હતું. લેબનોન પર ઈઝરાયલની સેનાનો બે તરફી હુમલો ચાલુ છે. એક તરફ ઘણા નવા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ બેરૂતમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઈઝરાયલે ગાઝા પર બે મોટા હુમલા પણ કર્યા. પહેલો મોટો હુમલો ગાઝાની એક મસ્જિદ પર થયો હતો, જેમાં 18 લોકોના મોત થયા હતા.
હમાસના 12 આતંકવાદીઓના મોત
ઈઝરાયલે કહ્યું કે, હમાસના આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે. પરંતુ લેબનોનનું કહેવું છે કે, લોકોએ ત્યાં આશરો લીધો હતો. બીજા હુમલામાં ઈઝરાયલના ફાઈટર પ્લેન્સે ફિલિસ્તીનના એક શહેર પર બોમ્બમારો કર્યો હતો. આ ઓપરેશનમાં હમાસના 12 આતંકવાદીઓના મોત થયા છે. ફિલિસ્તીનનું કહેવું છે કે, અહીં બેઘર લોકો રહેતા હતા, જ્યારે ઈઝરાયલે કહ્યું કે, તેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ કરી રહ્યા છે. ઈઝરાયલના હુમલાના ડરથી મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે.