ભાવનગર જિલ્લા જેલમાં અલગ અલગ હત્યાઓના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 12 કેદીઓમાંથી અગાઉ 3 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા બાદ વધુ 9 કેદીઓને વહેલી મુક્તિ આપવામાં આવી છે. 14 વર્ષ કે તેથી વધુ ની સજા પૂર્ણ કરનાર કેદીઓને ભગવત ગીતાનું પુસ્તક આપી શુભેચ્છા સાથે ઘરે મોકલવામાં આવ્યા.
ગુજરાત જેલ વિભાગના DGP ડો.કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ અને જેલ અધિક્ષક એલ.એમ.રાઠોડ ના પ્રયાસોથી આ નિર્ણય લેવામાં આવ્યો અને 14 વર્ષ કે તેથી વધુ સમય થી જેલ માં સજા ભોગવી રહેલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ ની અધ્યક્ષતામાં મળેલી જેલ સલાહકાર સમિતિની બેઠકમાં 11 કેદીઓને હકારાત્મક અભિપ્રાય મળ્યો હતો.
આ કેદીઓએ 14 વર્ષ ની સજા પૂર્ણ કરી છે અને જેલમાં સારી વર્તણૂક દાખવી છે. તેમણે વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને જેલ ઉદ્યોગોમાં કામગીરી કરી હતી. BNSS-2023ની કલમ 473 અંતર્ગત તેમની બાકીની સજા માફ કરવામાં આવી છે. જેલ અધિક્ષક રાઠોડ એ મુક્ત થયેલા કેદીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ આપી અને તેમને ભવિષ્ય માં આવેશ કે ગુસ્સામાં આવીને કોઈ ભૂલ ન કરવાની સલાહ આપી. કેદીઓની મુક્તિ વખતે તેમના પરિવારજનો ભાવુક બન્યા હતા.