નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તેવામાં ભુજની એક મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 4.45 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં ભુજ બી ડિવિજન પોલીસે 2 આરોપીની સુરતથી ધરપકડ કરી છે.
કુરિયરના નામે મહિલાને ભોગ બનાવી
ભુજમાં રહેતા રીમાબેન વિકાસ મહેતા નામની ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી. 30 ડિસેમ્બરના ફરિયાદી રીમા બેનને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને પોતે કુરિયરમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. તેમના આધાર કાર્ડ નંબર પરથી તાઈવાનમાં 1 કુરિયર મોકલાયું હોવાનું જણાવ્યું હતું અને કુરિયરમાંથી 5 પાસપોર્ટ, 140 ગ્રામ એમડી ડ્રગ્સ 5,000 રોકડા અને ડોલર જેવી વાંધાજનક વસ્તુઓ મળી હોવાનું જણાવી મહિલાને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ રુબરુ જઈ અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવી દેવા જણાવ્યું હતું.
પોલીસે બેન્ક એકાઉન્ટના નંબરના આધારે પિતા પુત્રની સુરતથી ધરપકડ કરી
ફરિયાદીએ ઓનલાઈન વિકલ્પ પસંદ કરતાં ફોન ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી શખ્સે મહિલાના મોબાઈલમાં સ્કાઈપી એપ ડાઉનલોડ કરાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદમાં તેમના આધાર કાર્ડથી અલગ અલગ રાજ્યની બેન્કમાં 21 લાખ જમા હોવાનું જણાવ્યું હતું. મહિલા તેમની બધી પ્રોપટી વેરીફાય અને એનઑસી આપવાના નામે 4.45 લાખ રૂપિયા પડાવી લીધા. ભુજ બી,ડિવિજન પોલીસે બેન્ક એકાઉન્ટના નંબરના આધારે પિતા પુત્રની સુરતથી ધરપકડ કરી છે. હાલ પોલીસે બંને આરોપીને ભુજ લાવીને પૂછપરછ શરૂ કરી છે. આરોપી જાફર અબ્બાસ સૈયદ અને અલ્તાફ જાફર સૈયદના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની તપાસમાં ટાઈગર નામના શખ્સની સંડોવણી ખૂલી છે. જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.