રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં લાંચિયા અધિકારી એમડી સાગઠીયાના કેસની ઈડી તપાસ કરશે અને પહેલા પણ રાજકોટ એસીબી આ કેસની તપાસ કરી રહી હતી અને હજી પણ તપાસ ચાલે છે,EDએ તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીના આધારે કોર્ટે મંજૂરી આપતા હવે ઈડીએ પણ જંપલાવ્યું છે અને તપાસનો ધમધમાટ થશે.
અગાઉ પણ મિલકતો ટાંચમાં લીધી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉનપ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ સહિત અન્ય કેસો પર કાર્યવાહી ચાલી રહી છે અને તે હાલ જેલમાં છે. હવે મનસુખ સાગઠીયા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ACBને મનસુખ સાગઠીયા અને પરિવારજનોની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી આપી દીધી છે.
હાલ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે જેલમાં
મનસુખ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક ઊભી કરાવામાં આવી હતી,જેમાં આજે ક્રાઈમબ્રાન્ચ દ્વારા સાગઠિયા સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે.ખોટી મિનિટ્સ બુક બનાવી ખોટી સહી લેવા મામલે સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે,બળજબરી પૂર્વક સહી કરનારા ૫૦ જેટલા સરકારી કર્મચારીના નિવેદન પણ જોડવામાં આવ્યા છે પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથધરીને ચાર્જશીટ તૈયાર કરી છે,જેમાં તમામ બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.