મહેસાણા એસટી ડેપો મેનેજરે 1, જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે એસટી બસ મથકમાં જઈને 31 ડિસેમ્બરની રાત્રીના મુસાફરી કરીને આવતી તમામ બસના 25 જેટલા ચાલકોના મોઢામાં બ્રેથ એનાલાઈઝર મશીન મુકીને તેઓએ નશો કર્યો છે કે કેમ તે અંગેના સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જો કે, અધિકારીની તપાસમાં કોઈ જ ચાલક નશાની હાલતમાં પકડાયો ન હતો. સામાન્ય રીતે, કોઈ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ પોલીસ કરતી હોય છે. પરંતુ, અહીં એસ.ટી તંત્ર દ્વારા મુસાફરોની સલામતી માટે બસ ચાલકો પણ નશો કરીને બસ ન હંકારે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
વર્ષ 2024ના અંતિમ 31, ડિસેમ્બરની રાત્રે મુસાફરો લઈને દોડતી બસો વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મહેસાણા એસટી ડેપો ઉપર પહોંચી ત્યારે અહીંના ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સહિતની ટીમ દ્વારા અલગ-અલગ રૂટ પરથી બસ હંકારીને આવેલાં 25 જેટલા ડ્રાઈવરોએ દારૂ જેવા માદક પદાર્થનો નશો કર્યો છે કે કેમ તે અંગેની ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારી દ્વારા બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તમામ ડ્રાઈવરોના વારાફરતી ઉશ્વાસ ચેકીંગ કર્યા હતા. જો કે આમાંથી કોઈ પણ ચાલક નશાની હાલતમાં પકડાયો નથી. નોંધપાત્ર છે કે, એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા છાશવારે આવી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં નશો કરેલી હાલતમાં પકડાતા એસટી બસના ડ્રાઈવરો સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવતા હોય છે.
ગુરુવારે પણ 21 જેટલા ડ્રાઈવરોનું ચેકિંગ કરાયું : ડેપો મેનેજર
1, જાન્યુઆરી પછી બીજા દિવસે ગુરુવારે પણ તંત્ર દ્વારા એસટી બસના ચાલકો દારૂ જેવા માદક પદાર્થનો નશો કરીને બસ ચલાવે છે કે નહીં તે જોવા અને મુસાફરોની સલામતીના ભાગરૂપે આવા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવા માટે ચેકિંગ ક્રિયા અવિરત રાખવામાં આવી છે. મહેસાણા ડેપોમાં રાત્રિ મુસાફરી કરીને વહેલી સવારે પહોંચતી એસટી બસના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેકિંગ થાય છે. ગુરુવારે પણ 21 જેટલા ડ્રાઈવરોના ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું ડેપો મેનેજર રમેશ ચૌધરીએ જણાવ્યું હતું.