સીરિયાના સૈન્યને નષ્ટ કર્યા બાદ ઈઝરાયેલ હવે ઈરાનના પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવી શકે છે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે ઇઝરાયેલના લશ્કરી અધિકારીઓ તરફથી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે ઈરાનના આતંકી સંગઠનો અને સીરિયામાં બશર-અલ–અસદની સરકાર પાડયા બાદ ઇઝરાયેલ માટે ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવા આ મોટી તક સમાન છે.કારણ કે સીરિયાનું આકાશ હવે એકદમ ખુલ્લુ છે.
ઈઝરાયેલ કરી શકે છે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો
ઇઝરાયેલની સેનાનું માનવું છે કે ઈરાનના આતંકી સમૂહો જેવા કે હમાસ, હિજબુલ્લાહ અને સીરિયામાં બશર-અલ–અસદની સરકાર પડયા બાદ તે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર નિશાન સાધી શકે છે. ઇઝરાયેલ માટે આ મોટી તક સમાન છે જેને લઈ ઇઝરાયેલ ઝડપથી તેની તૈયારીમાં લાગ્યું છે.ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સનું માનવું છે કે ઈરાન હાલમાં એકલું પડ્યું છે. જેનું કારણ સીરિયામાં બશર-અલ–અસદની સરકાર પડી ભાંગી છે અને તેના આતંકી સમૂહો નબળા પડ્યા છે. આનાથી નિરાશ થઈ ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.તેવામાં ઇઝરાયેલ તેના ન્યૂક્લિયર સ્થળોને નષ્ટ કરી એ સંભાવના પણ પૂરી કરી નાંખવા માંગે છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમો
ઈરાન હંમેશા તેની પાસે પરમાણુ હથિયાર હોવાનો ઈન્કાર કરતું આવ્યું છે પરંતુ તેનો હેતુ અમુક પ્રકારના સ્પેસ વેપન તૈયાર કરવાનો છે. એક મત મુજબ તેની પરમાણુ પ્રવૃત્તિઓ માત્ર નાગરિક હેતુઓ માટે છે. પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને IAEAનું માનવું છે કે ઈરાને 2003થી સૈન્ય પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો હતો.
પહેલા પણ પરમાણુ કેન્દ્રો લક્ષ્ય પર હતા
ઈરાન નાગરિકની જરૂરિયાતો ઉપરાંત પરમાણુ કાર્યક્રમ પણ સતત ચલાવી રહ્યું છે.પરમાણુ શસ્ત્રોનું સ્વપ્ન ઇસ્લામિક રિપબ્લિક દેશોએ ક્યારેય પણ છોડ્યું નથી તેઓ સતત તેમાં મથ્યા કરે છે.તેનો કાર્યક્રમ ઈરાનના કિલ્લેબંધ પર્વતો હેઠળ ચાલી રહ્યો છે તેવું સૌ જાણે છે. ઈરાન પણ સતત ઈઝરાયેલનો વિનાશ ઈચ્છે છે.ઈરાન પોતે અથવા તેના આતંકવાદી સમૂહો દ્વારા ઇઝરાયેલ પર સતત મિસાઇલ હુમલાઓ કરી રહ્યો છે અથવા તેનું આયોજન કરતો રહ્યો છે. અને એટલા માટે જ તે પોતાની સુરક્ષા માટે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યો છે.
એર ડિફેન્સ સિસ્ટમ તબાહ થતાં સીરિયાનું આકાશ ખુલ્લુ
સીરિયામાં ઈઝરાયેલના હુમલાએ હવાઈ શ્રેષ્ઠતા દર્શાવી હતી. એક દાયકા પછી, ઇઝરાયેલે સીરિયાની તમામ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને માત આપી હુમલો કર્યો હતો. ઈરાન દ્વારા સપ્લાય કરવામાં આવતા તમામ હથિયારોનો નાશ કર્યો હતો. ૪૮ કલાકની અંદર ઇઝરાયેલે સમગ્ર સીરિયન સૈન્યનો નાશ કરી દીધો હતો. સીરિયામાં એર ડિફેન્સ સિસ્ટમના વિનાશ પછી, ઇઝરાયેલ પાસે હવે ઇરાન પર હુમલો કરવા માટે ખુલ્લું આકાશ છે. તે કોઈપણ અડચણ વિના સીરિયાને પાર કરી શકે છે અને ઈરાનની પરમાણુ સાઇટ પર હુમલો કરીને પરત ફરી શકે છે.
સીરિયાની તમામ એર સિસ્ટમ ઠપ્પ
ઈઝરાયેલની વાયુસેનાએ સીરિયાની 86 ટકા એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. તેમાં 107 એર ડિફેન્સ સિસ્ટમ અને 47 રડાર સામેલ છે. જેમાં રશિયા તરફથી ટૂંકીથી મધ્યમ શ્રેણીની Sa-22 એટલે કે Pantsir-S1 અને Sa-17 મધ્યમ શ્રેણીની એર ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. જેમને બાક કહેવામાં આવે છે. બંને એર ડિફેન્સ સિસ્ટમ રશિયા દ્વારા બનાવવામાં આવી છે. આ સિસ્ટમ્સ સીરિયા અને હિઝબુલ્લાના રક્ષણ માટે લગાવવામાં આવી હતી.