મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની વિધાનસભાની ચૂંટણીમાં જીત થઇ છે. જે બાદ હવે સીએમ કોણ તેને લઇને રોજ રોજ નવા દાવા થઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે એકનાથ શિંદે બીજેપીથી નારાજ છે. તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસનના નામની પણ ચર્ચાઓ તેજ છે. એકનાથ શિંદે જૂથ અને બીજેપી વચ્ચે બધુ બરાબર ન હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે આ તમામ ચર્ચાઓ વચ્ચે પૂર્વ સીએમ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
શાનદાર જીત માટે આભાર- એકનાથ શિંદે
તેમનું કહેવુ છે કે મે સામાન્ય કાર્યકર્તાની જેમ ચૂંટણીમાં મહેનત કરી છે. ચૂંટણીમાં મહાયુતિને મોટી જીત મળી છે. મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શાનદાર જીત માટે જનતાનો આભાર માનુ છું. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રનું સમર્થન મળે ત્યારે જ રાજ્યોની પ્રગતિ થાય છે. પીએમ મોદી અને અમિત શાહનું સમર્થન મળ્યુ. મને એ વાતનો સંતોષ છે કે મે દરેક જગ્યાએ ભલાઇ માટેનું કામ કર્યું. મે મારા કાર્યકાળમાં મોટા મોટા નિર્ણયો લીધા છે.
હું નારાજ નથી- એકનાથ શિંદે
એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું કે લાડલી બહેનોનો હું લાડકો ભાઇ છું. આપણે મહારાષ્ટ્રને નંબર વન બનાવ્યું છે. હું રડનારમાંથી નહી પણ લડનારોમાંથી છું. હું જીવીશ ત્યાં સુધી જનતાના માટે કામ કરીશ. બધા કહી રહ્યા છે કે હું નારાજ છું પણ હું નારાજ નથી. જનતા માટે કામ કરીશ. હું ભાગવા વાળો વ્યક્તિ નહી સમાધાન કરનારો વ્યક્તિ છું. હું મોટા મન વાળો વ્યક્તિ છું. મારા સીએમ આવાસનો દરવાજો દરેક માટે ખુલ્લો છે.
કેન્દ્ર જે પણ નિર્ણય લે અમારુ સમર્થન- એકનાથ શિંદે
તેમણે વધુમાં કહ્યું કે મને સીએમ પદની લાલચ નથી. ગઇકાલે પીએમ મોદીએ મને ફોન કર્યો હતો. નવી સરકારમાં મારા તરફથી કોઇ પરેશાની કે વાંધો નથી. પીએમ મોદી જે નિર્ણય લેશે તે મંજૂર હશે. આ સાથે જ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં બીજેપીમાંથી જ હશે આગામી મુખ્યમંત્રી. હું નારાજ કે દુઃખી નથી. બીજેપીનો મુખ્યમંત્રી મને મંજૂર છે. કેન્દ્ર જે ઇચ્છે તે નિર્ણય લઇ શકે છે. મહાયુતિની સરકારમાં બીજેપીમાંથી સીએમ હશે તેવો સંકેત આપી દીધો.
અમિત શાહ સાથે યોજાશે બેઠક- એકનાથ શિંદે
એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું કે ત્રણેય પક્ષો (મહાયુતિની) આવતીકાલે (28 નવેમ્બર) અમિત શાહ સાથે બેઠક યોજાશે. વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તે બેઠકમાં યોજાશે ત્યારબાદ સીએમને લઇને નિર્ણય લેવામાં આવશે.