રાજકોટમાં અશાંતધારા ભંગની ફરિયાદો મળી છે. શહેરમાં અશાંતધારા ભંગ અંગેની 13 જેટલી ફરિયાદો પોલીસને મળી છે. ત્યારે ફરિયાદો મળ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મળેલી 13 ફરિયાદમાંથી 3 મકાનમાલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ચેકિંગ
ફરિયાદો મળવાને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારાને લઈને પોલીસને મળેલી ફરિયાદ બાદ આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના અલગ અલગ વિસ્તારો છે, જ્યાં અશાંત ધારો લાગુ છે અને તે વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોય તેવી ફરિયાદ મળી હતી. આ મુદ્દે કુલ 13 જેટલી ફરિયાદ પોલીસને મળી હતી. તમને જણાવી દઈએ કે અશાંત ધારાને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ છે. ત્યારે ભાડે મકાન રાખવા મુદ્દે પણ આ સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં જ્યાં ભાડુઆત મુદ્દે નિયમ ભંગ થયો છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. 13 ઘરમાંથી 3 ઘરે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે, જેને લઈને અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ 3 મકાન માલિક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.
આણંદમાં અશાંત ધારાની મુદ્દત વધારવાની માગ કરાઈ
તમને જણાવી દઈએ કે ગઈકાલે જ આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદ્દત આગામી 31મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે, ત્યારે રામજન્મોત્સવ સમિતિ, હિંદુ જાગૃતી અભિયાન સમિતી અને જયશ્રી નાકાવાળા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના આગેવાનોએ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેકટરને આવેદન પત્ર આપી લેન્ડ જેહાદ અટકાવવા માટે અશાંત ધારાની મુદ્દત લંબાવવા માટેની માગ કરાઈ હતી.
શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે કરી માગ
તમામ હિંદુ સંગઠનોના આગેવાનોએ કલેકટર પ્રવિણ ચૌધરીને આવેદન પત્ર આપીને કહ્યું હતુ કે આણંદ શહેરમાં વધી રહેલા અતિક્રમણ, લેન્ડ જેહાદ જેવી ગંભીર અને મોટી સમસ્યા છે અને જેના કારણે શહેરમાં રહેતો બહુમતી ધરાવતો હિન્દુ સમાજ પ્રતાડિત થયો છે અને આ ગંભીર સમસ્યાની આંશિક રાહત માટે રાજ્ય સરકાર દ્વારા આણંદ શહેરમાં અશાંત વિસ્તાર ધારાનો કાયદો અમલમાં મૂક્યો હતો, જેના કારણે શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહેલો છે, પરંતુ આગામી 31 ડિસેમ્બરના રોજ અશાંત વિસ્તાર ધારાની સમયમર્યાદા પૂરી થાય છે, જેથી હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે આ સમય મર્યાદા 10 વર્ષ સુધી વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.